Site icon Revoi.in

હર ઘર તિરંગા: અભિયાનથી અંદાજિત રૂ. 600 કરોડનો બિઝનેસ થવાની શક્યતા

Social Share

દિલ્હી: ભાજપનું ‘હર ઘર તિરંગા અભિયાન’ બજારમાં રૂ. 600 કરોડથી વધુનું ટર્નઓવર જનરેટ કરવાનો અંદાજ છે. પાર્ટીએ દેશના દરેક નાગરિકના ઘરે ત્રિરંગો લગાવવાની યોજના બનાવી છે. કેન્દ્ર સરકારના મંત્રીઓ, ભાજપ પક્ષના અધિકારીઓ અને કાર્યકર્તાઓને પણ પોતપોતાના વિસ્તારોમાં લોકોના ઘરો પર તિરંગો ફરકાવવા માટે વિનંતી કરવામાં આવી છે. જેના કારણે બજારમાં તિરંગાની માંગ અચાનક વધી ગઈ છે.

10 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીના ત્રિરંગા બજારમાં ઉપલબ્ધ છે. રસ્તાના કિનારેથી લઈને નાની-મોટી દુકાનોમાં તિરંગાનું વેચાણ થઈ રહ્યું છે. લોકો પોતાના ઘર-ઓફિસ અને વાહનો પર ત્રિરંગો લગાવવા માટે તેની ખરીદી કરી રહ્યા છે. જેના કારણે તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલા જ બજાર તેજ થઈ ગયું છે. તેનાથી વેપારીઓને ઘણો ફાયદો થવાની આશા છે.

વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)નું અનુમાન છે કે આ અભિયાનને કારણે આખા દેશમાં તિરંગાનું જંગી વેચાણ થશે અને કપડાના વેપારીઓને ફાયદો થશે. આ નફો 600 કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે.

એવો અંદાજ છે કે અભિયાનને કારણે ત્રણ દિવસમાં દેશભરમાં લગભગ 35 કરોડ ત્રિરંગા ધ્વજનું વેચાણ થશે, જેનાથી લગભગ 600 કરોડ રૂપિયાનો બિઝનેસ થશે. CAT અનુસાર, ગયા વર્ષે આ વેચાણ 500 કરોડ રૂપિયાની આસપાસ હતું. સંસ્થાએ વર્તમાન વર્ષને સ્વરાજ વર્ષ તરીકે જાહેર કરવાની માંગ કરી છે.

CATના ધ્વજ હેઠળ દેશના વેપારી સંગઠનો દેશભરમાં 4000 થી વધુ ત્રિરંગા કાર્યક્રમોનું આયોજન કરશે. જેમાં તિરંગા રેલી, તિરંગા માર્ચ, તિરંગા ગૌરવ યાત્રા અને સ્વરાજ માર્ચ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. CAT નેતા પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે દરેક ઘરમાં ત્રિરંગો લહેરાવાથી દેશભરમાં લગભગ 10 લાખ લોકોને પ્રત્યક્ષ-પરોક્ષ રોજગાર મળશે.