‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમઃ રાજ્યમાં એક કરોડથી વધુ મકાનો પર 13 થી 15 ઓગસ્ટે ત્રિરંગો લહેરાવાશે
અમદાવાદઃ ગુજરાતમાં આગામી 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યના તમામ ઘરો, દૂકાનો, ઔદ્યોગિક કેન્દ્રો, સામાજિક અને શૈક્ષણિક પ્રતિષ્ઠાનો, વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ સહિત તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને ‘હર ઘર ત્રિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. આ અંગે એક વિડીયો કોન્ફરન્સ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવએ કહ્યું કે, રાજ્યમાં એક કરોડથી વધુ મકાનો પર ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રભાવનાને જાગૃત કરવામાં આવશે.
મહીસાગર જિલ્લામાં પણ તે જ રીતે ‘હર ઘર ત્રિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને કલેક્ટર કચેરી ખાતે વિડિયો કોન્ફરન્સ રૂમ ખાતે યોજાયેલ આ બેઠકમાં કલેકટરએ જણાવ્યું કે, જિલ્લાના મહત્તમ ઘરો અને શૈક્ષણિક, ઔદ્યોગિક એકમો પર ત્રિરંગો લહેરાવી રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞભાવ પ્રગટ કરીએ. સમગ્ર રાષ્ટ્ર જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે તેમાં મહીસાગર જિલ્લો પણ પૂરા ઉત્સાહ સાથે તેમાં સહભાગી થશે.
મહીસાગર જિલ્લાના પંચાયત ઘરો, દૂધ મંડળીઓ, સરકારી ઇમારતો, ઔદ્યોગિક ગૃહો, સ્કૂલો, કોલેજો સહિત તમામ જગ્યાએ આ ત્રણ દિવસ સુધી તિરંગો ફરકાવી મા ભારતીનું સર ઉન્નત કરીએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
રાજ્યમાં ૫૦ થી વધુ ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રો, ગુર્જરી એમ્પોરિયમ, શોપિંગ મોલ અને બસ સ્ટેશન જેવાં જાહેર સ્થળો પરથી રાષ્ટ્રધ્વજની ખરીદી નાગરીકો કરી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારની સૂચના મૂજબ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર ત્રિરંગા”ની ઉજવણી માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમિતિ રચાઈ છે. જેની બેઠકમાં થયેલાં આયોજન મુજબ ગુજરાતમાં એક કરોડથી વધુ ઘરો ઉપર ત્રિરંગો લહેરાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.