Site icon Revoi.in

અમદાવાદની મ્યુનિ.શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીના મુદ્દે શિક્ષકોને હેરાન કરાતાં હોવાની રાવ

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના નગર શિક્ષણ સમિતિ સંચાલિત મ્યુનિ. શાળાઓમાં વિદ્યાર્થીઓની સરેરાશ હાજરી 90 ટકા ન હોય તો શિક્ષકોને ઝોનલ કચેરીએ બોલાવીને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. તેની સામે શિક્ષકોમાં કચવાટ ઊભો થયો છે. મ્યુનિ. સ્કૂલોના અધિકારીઓ દ્વારા સ્કૂલોમાં ફરજિયાત 80થી 90 ટકા હાજરી માગવામાં આવી રહી હોવાનો આક્ષેપ શિક્ષકો દ્વારા કરાયો છે.  મ્યનિ.શાળાના એક આચાર્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, જે સ્કૂલોમાં વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તે સ્કૂલના આચાર્ય અને અમુક કિસ્સામાં શિક્ષકોને પણ ઝોન કચેરીમાં હાજર રહેવાની સુચના અપાય છે. એક તરફ શહેર ડીઇઓ સ્કૂલોને સૂચના આપે છે કે કોરોનાના નવા વેરિયેન્ટ સામે સ્કૂલોએ સતર્ક રહેવું. કોઇ વિદ્યાર્થી બિમાર હોય તો તેને સ્કૂલે ન મોકલવા વાલીને અપીલ કરવી. જ્યારે શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ફરજિયાત 80થી 90 ટકા હાજરી માગવામાં આવી રહી છે. શિક્ષકોને હાજરીના નામે હેરાન કરાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં મ્યુનિ. શાળાઓમાં શિક્ષણ સુધારણા માટે વિદ્યાર્થીઓની હાજરી માટે આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. પરંતુ તેના માટે શિક્ષકોને જવાબદાર ઠેરવવા ઉચિત નથી. મ્યુનિ. શાળાઓમાં ઘણાબધા બાળકો સ્લમ વિસ્તારોમાં આવતા હોય છે. તેમના વાલીઓ ભણેલા ન હોવાથી પોતાના બાળકોના શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત નથી હોતા, શિક્ષકો વાલીઓને શાળામાં બોલાવીને સમજાવતા પણ હોય છે. વિદ્યાર્થીઓ શાળામાં ગેરહાજર હોવાના ઘણા કારણો હોય છે. એટલે માત્ર શિક્ષકોને દોષિત ન ગણવા જોઈએ એવી શિક્ષકોની લાગણી છે. જ્યારે આ અંગે શાસનાધિકારી એલ ડી દેસાઈના કહેવા મુજબ  ગુણવત્તા માટે બાળકની 100 ટકા હાજરી ઇચ્છનીય છે, અસાધરણ સંજોગોમાં કે બાળકની માંદગી સીવાય બાળક ગેરહાજર રહે તો વાલી સંપર્ક કરવો જોઇએ. બાળકના ઉજ્વળ ભવિષ્ય માટે મોનિટરિંગ વ્યવસ્થાઓ સુદ્રઢ કરાઇ છે.