રાજકોટઃ ગુજરાતના તમામ શહેરોમાં આરટીઓ કચેરીઓમાં સર્વરના અવાર-નવાર સર્જાતા ધાંધિયાને લીધે અરજદારો પરેશાન થઈ રહ્યા છે. રાજકોટમાં આરટીઓ કચેરીમાં સારથી પરિવહન પોર્ટલ વારંવાર બંધ થઈ જતા અરજદારો આઈટીઆઈમાં લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે કોમ્પ્યુટર ટેસ્ટ આપી શકાતી નથી. જેને કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે RTO અધિકારીએ જણાવ્યું હતુ કે, સર્વર હેડ ઓફિસથી હેન્ડલ થતું હોવાથી આ બાબતે અમે કંઈ કરી શકતા નથી.
રાજકોટની આરટીઓ કચેરીમાં છેલ્લા પખવાડિયાથી સર્વરના ધાંધિયાને લીધે સારથી પરિવહન પોર્ટલ વારંવાર બંધ થઈ જતાં લાયસન્સ સહિતની કામગીરી માટે આવેલા અરજદારો પરેશાન થઈ રહ્યા છે. એક અરજદારે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે અહીં લોધિકા ITIમાં કોમ્પ્યુટર ટેસ્ટ આપવા આવ્યા છીએ. ગત એપ્રિલ માસમાં લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે એપોઇન્ટમેન્ટ લીધી હતી. બાદમાં ખીરસરામાં સ્થિત લોધિકા ITIમાં 3 વખત અપોઈન્ટમેન્ટ લીધી હતી. ત્રણથી ચાર વખત અમે અહીં ધક્કા ખાઈએ છીએ. પરંતુ સર્વર કોઈ દિવસ ચાલુ હોતા જ નથી. અરજદારો સર્વર બંધ હોવાથી કોમ્પ્યુટર ટેસ્ટ આપ્યા વિના પરત ફરે છે. અહીં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. આરટીઓમાં ફોન કર્યો તો તેઓએ ITIના પ્રિન્સિપાલની જવાબદારી ગણાવી હતી. અન્ય બીજા અરજદારે જણાવ્યું હતું કે, હું મારા પત્ની સાથે લર્નિંગ લાઇસન્સ માટે કોમ્પ્યુટર ટેસ્ટ અપાવવા આવ્યો છું. બીજી વખત અપોઇન્ટમેન્ટ લીધેલી છે. બપોરે 3.30 વાગ્યાનો સમય હોવાથી 3 વાગ્યાથી અહીં આવી ગયા પરંતુ બાદમાં સર્વર બંધ થઈ જતાં 5 વાગ્યા સુધી રાહ જોઈ અને હવે અહીંથી કહેવામાં આવ્યું કે, હવે ફરી એપોઇન્ટમેન્ટ લઈ લેજો.
અરજદારોના કહેવા મુજબ આ સમસ્યાનું કાયમી સોલ્યુશન જરૂરી છે. કારણ કે બબ્બે કલાક સુધી બેસાડ્યા બાદ લર્નિંગ લાઇસન્સ માટે કોમ્પ્યુટર ટેસ્ટ આપવાની ના પાડવામાં આવે તે વ્યાજબી નથી. જો કનેક્ટીવીટી ન હોય તો આવા સેન્ટર બંધ કરી દેવા જોઈએ અન્યથા જ્યારે કનેક્ટિવિટી હોય ત્યારે જ અપોઈન્ટમેન્ટ આપવી જોઈએ. આ બાબતે રાજકોટ ઇન્ચાર્જ RTO અધિકારીએ જણાવ્યું હતું કે, સારથી પરિવહન પોર્ટલ રાજ્ય કક્ષાએથી સંચાલિત થાય છે. જેથી અહીંથી આ સમસ્યાનું નિરાકરણ ન થઈ શકે. જોકે હાલ અહીં RTOની મુખ્ય કચેરી ખાતે સર્વર ચાલુ છે.