હાર્દિક સહિત અગાઉ કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નેતાઓ ઉપર ભાજપાએ બતાવ્યો વિશ્વાસ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપા દ્વારા આજે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અગાઉ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં છોડાયેલા અનેક નેતાઓ ઉપર હાઈકમાન્ડે વિશ્વાસ વ્યક્ત કરીને ટીકીટ ફાળવી છે. પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને પણ ભાજપાએ ટીકીટ ફાળવી હોવાનું ચર્ચાઈ છે. આ ઉપરાંત બળવંતસિંહ રાજપુત, કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ સહિતના નેતાઓને પણ ટીકીટ ફાળવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસમાંથી અગાઉ ભાજપમાં આવેલા અનેક નેતાઓએ વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટની માંગણી કરી હતી. દરમિયાન ભાજપાએ પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને વિરમગામ, પૂર્વ મંત્રી બાબુ બોખરિયાને પોરબંદર તથા તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હર્ષ રિબડીયાને પણ વિસાવદરથી ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. જામનગરથી રાઘવજી પટેલ, માણાવદરમાંથી જવાહર ચાવડા, તાલાલા બેઠક ઉપરથી ભગવાનભાઈ બારડ અને સિધ્ધપુરથી બળવંતસિંહ રાજપુતની પસંદગી કરવામાં આવી છે.
ભાજપ દ્વારા 182 બેઠકો પૈકી 160 બેઠકો ઉપર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે અન્ય ઉમેદવારોની આગામી દિવસોમાં પસંદગી કરવામાં આવશે. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વધુમાં વધુ બેઠકો ઉપર મોટા માર્જીનથી જીતનો દાવો કર્યો હતો. ગત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ ભાજપની સામે પ્રચાર કર્યો હતો. જેની અસર પણ જોવા મળી હતી અને ભાજપ માત્ર 99 બેઠકો ઉપર જીતી શક્યું હતું. પરંતુ આ વખતે અલ્પેશ અને હાર્દિક પટેલ ભાજપના દાવેદાર હોવાથી જીગ્નેશ મેવાણી તેમની સામે પ્રચાર કરે તેવી શક્યતા છે.