આ સિરીઝમાંથી વાપસી કરી શકે છે હાર્દિક પંડ્યા,જય શાહે આપ્યું મોટું અપડેટ
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને ODI વર્લ્ડ કપ દરમિયાન બાંગ્લાદેશ સામે બોલિંગ કરતી વખતે પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ પછી તેને આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે, હાર્દિક જાન્યુઆરી 2024માં અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં વાપસી કરી શકે છે.
બીસીસીઆઈના સચિવ જય શાહે આપેલા નિવેદનમાં હાર્દિક પંડ્યાની વાપસી અંગે માહિતી આપતા કહ્યું કે તેની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. તે NCA (નેશનલ ક્રિકેટ એકેડમી)માં છે અને પોતાની ફિટનેસ પર સખત મહેનત કરી રહ્યો છે.જ્યારે તે ફિટ થશે ત્યારે અમે તમને જાણ કરીશું. અફઘાનિસ્તાન સામેની શ્રેણી પહેલા તે ફિટ પણ થઈ શકે છે. દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખતમ કર્યા બાદ ભારતીય ટીમે 11 જાન્યુઆરીથી ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે ત્રણ મેચોની T20 સીરીઝ રમવાની છે, આ સીરીઝની પ્રથમ મેચ મોહાલીમાં, બીજી મેચ 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં અને ત્રીજી 17 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે.
હાર્દિક પંડ્યા સિવાય ભારતીય ટીમના કોચિંગ સ્ટાફનો કાર્યકાળ વધારવા અંગેના પ્રશ્નના જવાબમાં જય શાહે કહ્યું હતું કે અમે તેમનો કાર્યકાળ લંબાવ્યો છે પરંતુ હજુ કોન્ટ્રાક્ટ ફાઈનલ થયો નથી. અમારી પાસે બિલકુલ સમય નહોતો. મેં તેમની (રાહુલ દ્રવિડ અને સપોર્ટ સ્ટાફ) સાથે મીટિંગ કરી હતી અને અમે પરસ્પર સંમતિથી કાર્યકાળ વધારવા સંમત થયા હતા. દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ અમે ફરી મળીશું અને આ અંગે નિર્ણય લઈશું.