હાર્દિક પટેલ BJPમાં જોડાવવાનું મુહૂર્ત કઢાવી રહ્યો છે, પિતાની પૂણ્યતિથિએ BJPના નેતાઓને આમંત્રણ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે પક્ષાંતરની મોસમ પણ ખીલી ઊઠી છે. પક્ષની વિચારધારના કોરાણે મુકીને પોતાને ક્યા પક્ષમાં રહેવાથી લાભ થશે એવા ગણિત સાથે નેતાઓ અને કાર્યકર્તાઓ પક્ષાંતર કરી રહ્યા છે. જેમાં છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાઈ રહ્યાની અટકળો ચાલી રહી છે. હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાવવાના સંકેતો આપી રહ્યો છે. હાર્દિક પટેલે પિતાની પૂર્ણતિથિએ રાજકિય શક્તિ પ્રદર્શન માટે કાર્યક્રમ યોજ્યો છે. એમાં કહેવાય છે. કે ભાજપના અગ્રણી નેતાઓને આમંત્રણો આપાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણી પહેલા રાજકારણમાં નવાજૂનીનાં અનેક સંકેત જોવા મળી રહ્યા છે. તાજેતરમાં હાર્દિક પટેલે સ્થાનિક કોંગ્રેસની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેઓ કેસરિયો કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. બીજી બાજુ હાર્દિક પટેલના ભાજપમાં પ્રવેશના સંકેત મળ્યા છે. હાર્દિ પોતાના પિતાની પુણ્યતિથિએ એક કાર્યક્રમ યોજીનેપર રાજકીય શક્તિ પ્રદર્શન કરવાનો હોવાનું કહેવાય છે.
સૂત્રોનું માનીએ તો હાર્દિક પટેલે માંડલ-વિરમગામ તાલુકાના ભાજપ અગ્રણીઓને આમંત્રણ આપ્યા છે. જેમાં તાલુકા-જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક અગ્રણીઓને કાર્યક્રમમાં બોલાવી હાર્દિક કંઈક મોટા સંકેત આપવા માંગી રહ્યો છે, જ્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓને હાર્દિકે આમંત્રણ આપ્યું નથી. જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય લાખાભાઈ ભરવાડને પણ આમંત્રણ આપ્યું નથી. હાર્દિક પટેલ પોતાના પિતાના પુણ્યતિથિના કાર્યક્રમ થકી વિરમગામ વિધાનસભા બેઠક પર રેપો મજબૂત કરશે. આ કાર્યક્રમમાં 500 બ્રાહ્મણ સાથે કુલ 5 થી 6 હજાર લોકોનો જાહેર ભોજન સમારંભ પણ કરવાનો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાર્દિક પટેલે આગામી 28 એપ્રિલે તેના પિતાની પ્રથમ પુણ્યતિથિનું વિરમગામમાં આયોજન કર્યું છે. હાર્દિકે પોતાના પિતાની પુણ્યતિથિ પર આયોજિત કાર્યક્રમમાં હાજર રહેવા ભાજપના નેતાઓને આમંત્રણ આપ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાનને પણ આમંત્રણ આપ્યું હોવાની ચર્ચા છે. આ આમંત્રણને પગલે ભાજપના સિનિયર આગેવાનો હાજરી આપી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ હાર્દિક પટેલ ભાજપના વખાણ કરી ચૂક્યો છે. તેણે રામ મંદિર બનાવવા અને કલમ 370 હટાવવા મુદ્દે ભાજપના વખાણ કર્યા હતા. આ ઉપરાંત હાર્દિકે ભાજપના વખાણ કરી પોતાને ચુસ્ત હિન્દુ નેતા ગણાવ્યો ત્યારથી ભાજપ સાથે હાર્દિકનું અંતર ઘટતું જતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રો તરફથી એવું પણ જાણવા મળ્યું છે કે, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં હાર્દિક પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે.