Site icon Revoi.in

હર્દિક પટેલ વાજતે ગાજતે ભાજપમાં ગુરૂવારે જોડાશે, હાર્દિકના પ્રવેશ સામે કેટલાક નેતાઓ નારાજ

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે હાર્દિક પટેલે કોંગ્રેસને રામ રામ કરીને છેલ્લા ઘણા દિવસોથી ભાજપમાં પ્રવેશ માટે પ્રયાસો કરી રહ્યો હતો. ભાજપના જ કેટલાક પાટિદાર નેતાઓ હાર્દિકના પ્રવેશ સામે નારાજ હોવા છતાં ભાજપે હાર્દિકને પક્ષમાં જોડાવવાની લીલી ઝંડી આપી દીધી છે. અને હાર્દિકે મુહૂર્ત પણ કઢાવી લીધુ છે, હાર્દિક પટેલ તા. 2જી જુનને ગુરૂવારના રોજ વાજતે-ગાજતે કમલમમાં જઈને ભાજપનો ખેસ ધારણ કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટિદાર સમાજ માટે અનામત આંદોલન છેડીને નેતા બનેલા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો. કોંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવ્યો હતો. પરંતુ પોતાની મનમાની ન સંતોષાતા હાર્દિકે કોંગ્રેસ છોડી દીધી હતી. અને ભાજપમાં જોડાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ભાજપ સામે લડીને જ રાજકીય નેતા બનેલો હાર્દિક પટેલના  ભાજપ પ્રવેશ મામલે કમલમમાં અને ભાજપના નેતાઓ-કાર્યકરોમાં મોટો ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં કેટલાક નેતાઓ માની રહ્યા છે કે હાર્દિકની હાલત અગાઉ કોંગ્રેસમાંથી આવીને ભાજપનો ખેસ પહેરનારા મોટા ધુરંધરો જેવી થઈ શકે છે. ચૂંટણી સમયે હાર્દિકનો મત માટે ઉપયોગ કરીને પક્ષમાં તેને ખૂણામાં બેસાડી દેવામાં આવે તો નવાઈ નહીં. તો કેટલાક નેતાઓ હાર્દિકના પ્રવેશને આવકારતાં એવું કહીં રહ્યા છે કે 2022ની ચૂંટણીમાં ભાજપને ફાયદો થઈ શકે છે, ખાસ કરીને 2017ની ચૂંટણીમાં પાટીદારોને કારણે જે ભાજપે ગુમાવ્યું છે એ પાછું મેળવી શકાય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભાજપે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આ પાટિલ તમામ 182 બેઠકો જીતવાનો દાવો કરી રહ્યા છે. પોતાનો ટાર્ગેટ પુરો કરવા ગમે તેને કાંખમાં બેસાડવો પડે તો વાંધો નહીં તેવા ગણિત સાથે હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષથી એકહથ્થુ સત્તા સાંભળી રહેલા ભાજપ દ્વારા વિધાનસભામાં 150થી વધુ ધારાસભ્યો સાથે રેકોર્ડ કરવા માટે ભાજપ તનતોડ મહેનત કરી રહ્યો છે.  હવે ભાજપે પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલને કેસરિયો ખેસ પહેરાવવાના છે ત્યારે ભાજપનો ગ્રાફ વધશે કે નહીં એ અંગેની ચર્ચાઓ ભાજપમાં શરૂ થઈ ગઈ છે. એમાં ભાજપ પણ હાર્દિકના મામલે બે ભાગમાં વહેંચાઈ ગયો છે. કેટલાક કહે છે, હાર્દિકના ભાજપ પ્રવેશથી 2017નું પુનરાવર્તન થતું અટકી શકે છે. એટલું જ નહીં, પાટીદારો જે નારાજ હતા તે પણ ભાજપતરફી આવી શકે છે. જ્યારે ભાજપના પાટિદાર નેતાઓ કહી રહ્યા છે કે, હાર્દિક પટેલના પ્રવેશથી પક્ષને કોઈ જ ફાયદો થવાનો નથી. પટેલ સમાજ હાર્દિકની સ્વાર્થી નીતિને સારીરીતે ઓળખી ગયો છે. પાટિદાર સમાજ હંમેશા ભાજપ સાથે જ રહ્યો છે, એટલે હાર્દિક ભાજપમાં આવવાથી ફાયદો થશે તેવું ભાજપના પાટિદાર નેતાઓ માનતા નથી.