Site icon Revoi.in

હર્ષ સંઘવીએ મહાનગરોનાં પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને સ્થળ મુલાકાત કરવા સૂચના આપી

Social Share

અમદાવાદઃ રાજ્યના મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા જે-તે શહેરના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને જવાબદારી સોંપવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહાનગરોનાં પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને સ્થળ મુલાકાત કરવા સૂચના આપી હતી તેમજ નાયબ પોલીસ કમિશનર અને મહાનગર પાલિકાના ઝોનલ અધિકારીઓને દર 15 દિવસે બેઠક કરીને ટ્રાફીકના પ્રશ્નોની સમસ્યાના ઉકેલ માટે તાકીદ કરી હતી.

ગઇ કાલે અમદાવાદ શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે યોજાયેલી બેઠકમાં સંઘવીએ દર મહિને આ ચારેય મહાનગરના પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને મિટીંગ કરવાની તેમજ દર બે મહિને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવઅને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ કક્ષાએ સમીક્ષા બેઠક યોજીને અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે. દરમિયાન સંઘવીએ અમદાવાદ ખાતે નવી પોલીસ કમિશ્નરની કચેરીની અને નવનિર્મિત જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ પ્રકારનું ઇન્ટ્રોગેશન સેન્ટર રાજ્યમાં પ્રથમવાર નિર્માણ થવા જઈ રહ્યું છે જેની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 3 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરીનું ઉદ્દઘાટન કરશે અને જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે.