અમદાવાદઃ ગુજરાતની ધરતી ઉપર પ્રેમ કરવાનો કોઈ ગુનો નથી, પરંતુ કોઈ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવનારને છોડવામાં આવશે નહીં. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમજ લવ જેહાદની ઘટનાને લઈને પોલીસને તાકીદ કરી હતી કે, આવી અરજી આવે તો તેની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. હર્ષ સંઘવીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના નવનિર્મિત બી-32 (પી-4) પોલીસ આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત મોરબીના નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.
મોરબી ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવા બસસ્ટેશનનો શુભારંભ કરતા જણાવ્યું હતું કે, મોરબીને તમામ સુવિધા આપવીએ સરકારની ફરજ છે, ત્યારે સાડા પાંચ કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક બસ સ્ટેશનનું નવલું નજરાણું સરકાર દ્વારા મોરબીને અર્પણ કરવામાં આવ્યું છે. મોરબી અને રાજકોટનું દિલ એક છે, માટે આ બન્નેને જોડતી બસની કનેક્ટિવીટી વધારવાનું કામ સરકારનું છે. આજે મોરબીથી રાજકોટની 70 ઇન્ટરસિટી બસના રૂટ અને પ્રદુષણ મુક્ત ૨૦થી વધુ ઇલેક્ટ્રીક બસોના રૂટ ઉપલબ્ધ છે.
તેમણે જણાવ્યું હતું કે, આ બસ સ્ટેશન જેવી અત્યાધુનિક સુવિધાઓ પુરી પાડવાની જવાબદારી સરકારની છે, પરંતુ તે સુવિધાને સ્વચ્છ અને સલામત જાળવી રાખવાની જવાબદારી પ્રજાની છે. છેલ્લા 100 દિવસમાં સરકાર દ્વારા ગામડાઓને જોડતી નવી 350 બસ સેવા આપવામાં આવી છે. ઉપરાંત આગામી સમયમાં 321 નવી બસ ફાળવવામાં આવનાર છે. બસ કન્સેશન પાસની વાત કરતા તેમણે ઉમેર્યું કે, મોરબી જિલ્લામાં 5432 વિદ્યાર્થીનીઓની ફ્રી પાસ સુવિધા સાથે અને 6243 વિદ્યાર્થીઓ 82.5 % રાહત પાસની સુવિધા અને 1170 જેટલા 50% રાહતના મુસાફરી પાસ યોજનાના લાભ સાથે મુસાફરી કરી રહ્યા છે.
મોરબીથી વિવિધ બસોમાં નિયમિત સરેરાશ 33 હજાર મુસાફરો મુસાફરી કરે છે સરકારનો આ આંકડાને 50 હજાર સુધી લઈ જવાનો નિર્ધાર છે. જે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. વ્યાજખોરોને નિશાનો બનાવી મંત્રીએ જણાવ્યું હતું કે, વ્યાજનું દુષણ નાનું મોટું દુષણ નથી, તે દુષણનું બીજ છે જે અનેક ગુનાઓને જન્મ આપે છે અને આવા વ્યાજખોરોને મોરબી પોલીસે પકડી પાડીને અનેક લોકોને તેમના ઘર પાછા અપાવ્યા છે.