Site icon Revoi.in

રાજકોટમાં નવા બનેલા એસટી બસ સ્ટેન્ડનું શનિવારે હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરશે

Social Share

રાજકોટઃ શહેરમાં  ઢેબર રોડ પર એસટી બસ સ્ટેન્ડ બન્યા બાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ બસ સ્ટેન્ડ બનાવમાં આવી રહ્યા છે. જેમાં રાજકોટના ભાવનગર રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશન છેલ્લા 6 મહિનાથી તૈયાર થઇ ગયું છે. જોકે, લોકાર્પણનો કાર્યક્રમ રાજકીય નેતાઓની તારીખ ન મળવાને કારણે યોજી શકાતો નહતો. ત્યારબાદ મંત્રી હર્ષ સંઘવીનો સમય મળતા હવે તેમના હસ્તે તા, 2જીને સપ્ટેમ્બરને શનિવારે બસસ્ટેન્ડનું લોકાર્પણ કરાશે. આ બસ સ્ટેન્ડ 1,326 ચોરસ મીટર જગ્યામાં 13 પ્લેટફોર્મ સાથે 4.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.

રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલા મુખ્ય બસપોર્ટ પરનું ભારણ ઘટાડવા માટે ભાવનગર રોડ પર અમૂલ સર્કલ પાસે 1,326 ચોરસ મીટર જગ્યામાં સેટેલાઈટ બસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યુ છે. આ બસસ્ટેન્ડ પરથી દરરોજ 200 બસની અવરજવર રહેશે. જ્યાંથી જસદણ, આટકોટ, અમરેલી, ભાવનગર જતી બસ મળશે અને ત્યાંથી આવતી બસ અન્ય કોઈ જગ્યાએ જતી હશે તો તેની ફ્રિકવન્સી પણ મળશે. છેલ્લા 6 મહિનાથી આ બસ સ્ટેશન તૈયાર થઈને ઉદઘાટનની રાહ જોતુ હતુ. લોકાર્પણ માટેનું મહુર્ત ન આવતાં બસસ્ટેન્ડ ધૂળ ખાઈ રહ્યું હતું. આખરે મંત્રી હર્ષ સંઘવીએ સમય ફાળવતા આગામી 2 સપ્ટેમ્બરનાં રોજ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવા બનેલા આ સેટેલાઈટ બસ સ્ટેશનમાં વિદ્યાર્થી અને મુસાફર પાસ, ઓનલાઈન ટિકિટ બુકિંગ, એનાઉન્સમેન્ટ, ફાયર એલાર્મની સાથે નાના બાળકોને માતાએ ફીડીંગ કરાવવું હોય તો તે માટે અલગ રૂમ અને મહિલાઓ માટે અલગથી મહિલા આરામગૃહ પણ બનાવવામાં આવેલો છે.