Site icon Revoi.in

હરિયાણાઃ કૈથલ નજીક કાર કેનાલમાં ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં બાળકો સહિત 8ના મોત

Social Share

નવી દિલ્હીઃ હરિયાણાના કૈથલના મુંદડી ગામ પાસે આજે સવારે પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સિરસા બ્રાન્ચ કેનાલમાં ખાબકી હતી. આ કરૂણ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના આઠ લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં ચાર મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે કાર ચાલકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક પરિવારના તમામ સભ્યો ડીગ ગામના રહેવાસી હતા અને તેઓ પુંદ્રીથી કૈથલ તરફ જઈ રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક ગ્રામજનોની મદદથી તમામને કારમાંથી બહાર કાઢીને કૈથલ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આ દૂર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ તમામ ગુહાનામાં યોજાનારા મેળામાં જઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે. મોટરકાર કેનાલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. તેમજ કાર કેનાલમાં ખાબકી હતી.

રાહદારીઓ આ ઘટના જોઈને ચોંકી ઉઠ્યાં હતા. તેમજ મદદ માટે બુમાબુમ કરી હતી. જેથી મોટી સંખ્યામાં આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. બીજી તરફ સ્થાનિક તરવૈયાઓએ નદીમાં છલાંગ લગાવીને તેમને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. અકસ્માતનો ભોગ બનેલા આઠમાંથી એક 15 વર્ષની છોકરીનો મૃતદેહ મળ્યો નથી. જ્યારે પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘટનાસ્થળેથી ચાર મહિલાઓ અને ત્રણ બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. દરમિયાન કાર ચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દૂર્ઘટનામાં દર્શનાબેન(ઉ.વ. 40), સુખવિન્દ્ર (ઉ.વ. 28), ચમેલીબેન (ઉ.વ. 65) કોમલ (ઉ.વ. 17), વંદના (ઉ.વ. 15), રિયા (ઉ.વ. 12), રવનીત (ઉ.વ. 6) અને લવપ્રીત (ઉ.વ. 13)ના મોત થયા હતા.