હરિયાણાઃ અમિત શાહ અને મોહન યાદવને વિધાયક દળના નેતાની પસંદગીની જવાબદારી સોંપાઈ
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) સંસદીય બોર્ડે હરિયાણામાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવા માટે અમિત શાહ અને એમપીના મુખ્ય પ્રધાન મોહન યાદવને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. હરિયાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ત્રીજી વખત જીત મેળવી છે. 8 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. 90 સભ્યોની રાજ્ય વિધાનસભામાં ભાજપને 48 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી હતી.
પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સંસદીય બોર્ડે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગને જમ્મુ અને કાશ્મીરમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં, નેશનલ કોન્ફરન્સ 42 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને 95-સભ્યોના ગૃહમાં બહુમતી મેળવી છે, તેમના સહયોગી પાર્ટી કોંગ્રેસ અને CPI(M) અનુક્રમે 6 અને 1 બેઠક જીતી હતી. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધી સૌથી વધુ 29 બેઠકો મેળવી છે.
કેન્દ્રીય નિરીક્ષક તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નિમણૂકને રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય સાથે જોવામાં આવી રહ્યું છે. આ પહેલીવાર છે જ્યારે અમિત શાહને કોઈપણ રાજ્યમાં વિધાયક દળના નેતાની પસંદગીની જવાબદારી સોંપવામાં આવી છે, આનાથી એવું લાગી રહ્યું છે કે હરિયાણાની નવી સરકારમાં કેટલાક નવા અને અણધાર્યા ચહેરાઓને સ્થાન મળી શકે છે.