ચંદીગઢ: હરિયાણાના રાજકારણમાં મંગળવારે મોટો ફેરબદલ થયો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે. ત્યારે અપક્ષ ધારાસભ્ય ભાજપના ટેકામાં આગળ આવ્યા છે. તેની સાથે જ ભાજપ અને જનનાયક જનતાદળ એટલે કે જેજેપીનું ગઠબંધન તૂટવાનું નક્કી છે.
હવે નવી સરકારમાં ભાજપના નવા મુખ્યમંત્રી બનવાની શક્યતા છે. આ કડીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ નાયબસિંહ સૈનીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જો કે આના પહેલા કૃષ્ણપાલ ગુર્જરનું નામ પણ સૌથી આગળ ચાલી રહ્યું હતું.
કહેવામાં આવે છે કે આગામી લોકસભા ચૂંટણીમાં સીટ શેયરિંગને લઈને મતભેદોને કારણે આ ગઠબંધન તૂટી રહ્યું છે. તેના પહેલા સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે હરિયાણા કેબિનેટ જે સામુહિક રાજીનામું આપે તેવી શક્યતા છે. આ દરમિયાન અપક્ષ ધારાસભ્યોએ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સાથે મુલાકાત કરી છે.
હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ મોડી રાત્રે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમણે એકથી બે બેઠકોની માગણી કરી હતી. સૂત્રો મુજબ, ભાજપ હાઈકમાન્ડે તેમને કહ્યુ તુ કે જે ગઠબંધનનો આગળ વિચાર હશે, તેનાથી અવગત કરવામાં આવશે. આજે ચંદીગઢમાં ભાજપના ધારાસભ્યોની સાથે અપક્ષ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી, તેમાં ગઠબંધનમાં સામેલ જેજેપીના ધારાસભ્યોને બોલાવાયા ન હતા.
હરિયામા વિધાનસભામાં કુલ 90 બેઠકો છે. 90માંથી 41 બેઠકો ભાજપ પાસે છે. જ્યારે કોંગ્રેસ પાસે 30, ઈન્ડિયન નેશનલ લોકદળ પાસે એક, હરિયાણા લોકહિત પાર્ટી પાસે એક અને અપક્ષો પાસે 6 બેઠકો છે. હરિયાણામાં બહુમતી માટે 46 બેઠકો જરૂરી છે. હરિયાણામાં ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જેજેપી પાસેથે મળીને ગઠબંધન સરકાર બનાવી હતી. તેમાં ચૂંટણીમાં ભાજપને 41 અને જેજેપીને 10 બેઠકો મળી હતી.
અપક્ષ ધારાસભ્ય ગોપાલ કાંડાએ કહ્યુ હતુ કે અમે સીએમ મનોહરલાલ ખટ્ટર સાથે મુલાકાત કરી છે. અમે સવારે સાડા અગિયાર વાગ્યે તેમને ફરીથી મળીશું. અમારા હિસાબથી ગઠબંધન તૂટી ગયું છે. પહેલા પણ જેજેપીની કોઈ જરૂરત ન હતી. લોકરસભા ચૂંટણીમાં ભાજપ 10માંથી 10 બેઠકો પર જીત મેળવશે. તો અન્ય એક અપક્ષ ધારાસભ્ય રણધીરસિંહ ગોલાને કહ્યુ છે કે અમને મુખ્યમંત્રીએ બોલાવ્યા હતા. તેમણે ટેકો માંગ્યો હતો. અમારો સમર્થન પત્ર તેઓ રાજ્યપાલને સોંપશે.