હરિયાણા ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસમાં બળવો કરનારા નેતાઓને ‘આપ’એ બનાવ્યાં ઉમેદવાર
- AAP એ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
- BJPના બળવાખોર કૃષ્ણ બજાજ અને કોંગ્રેસના પૂર્વ નેતા જવાહરલાલને ટાકીટ અપાઈ
નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો દ્વારા હાલ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં મોટાભાગના નેતાઓ કોંગ્રેસ અને ભાજપમાં બળવો કર્યાં બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા આગેવાનોના સમાવેશ થાય છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 9 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. AAPએ ભાજપ-કોંગ્રેસના બળવાખોર નેતાઓને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના બળવાખોર છત્રપાલ સિંહને બરવાળાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપના બળવાખોર કૃષ્ણ બજાજને થાનેસરથી અને કોંગ્રેસના બળવાખોર જવાહર લાલને બાવળથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે સધૌરા બેઠક પરથી રીટા બામણિયા, ઈન્દ્રીથી હવા સિંહ, રતિયાથી મુખત્યાર સિંહ બાઝીગર, આદમપુરથી ભૂપેન્દ્ર બેનીવાલ, ફરીદાબાદથી પ્રવેશ મહેતા અને તિગાંવથી આભાષ ચંદેલાને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસના બળવાખોર જવાહર લાલે ભાજપની ટિકિટ પર 2009ની વિધાનસભા ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. આ પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા અને લગભગ 14 વર્ષ સુધી પાર્ટી સાથે રહ્યા હતા. પરંતુ, આ વખતે કોંગ્રેસ તરફથી ટિકિટ મળવાની કોઈ શક્યતા ન હોવાથી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. AAPએ ભારે ઉત્સાહ સાથે ટિકિટ આપી છે.
કૃષ્ણા બજાજ કુરુક્ષેત્રમાં ભાજપનો સૌથી જૂનો ચહેરો મનતા હતા. લગભગ 45 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હતા. જો કે, આ વખતે તેમને ટિકિટ ન મળી તેથી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પાર્ટીએ તેમને થાનેસરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે પૂર્વ મંત્રી પ્રો. છત્રપાલ સિંહ સોમવારે જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાજપ પર તેમની અવગણનાનો આરોપ લગાવીને તેમણે પાર્ટી છોડી દીધી. તેમણે 1991ની વિધાનસભા ચૂંટણીમાં ચૌધરી દેવીલાલને હરાવ્યા હતા. AAPએ બરવાળા સીટ પરથી છત્રપાલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ ઈન્દ્રીથી હવા સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેઓ 20 વર્ષથી રાજકારણમાં છે. 2019માં તેમણે BSPની ટિકિટ પર ચૂંટણી લડી હતી. પરંતુ, તેઓનો પરાજય થયો હતો. આ પછી, તેઓ 2022 માં આમ આદમી પાર્ટીમાં જોડાયા.