નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે, દરમિયાન વિધાનસભાની ચૂંટણીમાં ઈન્ડિ ગઠબંધન વચ્ચે ભંગાણ પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન ન થતા આપ દ્વારા એકલા હાથ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, એટલું જ નહીં કોંગ્રેસ બાદ હવે પોતાના ઉમેદવારોની યાદી પણ આમ આદમી પાર્ટીએ જાહેર કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હરિયાણા વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે તેમ છતાં કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે મનમેળ જામ્યો નથી જેને લઈ ગઠબંધન થશે કે નહીં તે સૌથી મોટો યક્ષપ્રશ્ન અત્યારે સતાવી રહ્યો છે. અનેક બેઠકો અને મંત્રણાઓ પછી પણ સ્થિતિ જૈસે થે જેવી છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી તેના 20 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી દીધી છે જે કોંગ્રેસ માટે આંચકા રૂપ ઘટના કહી શકાય. એટલે હવે લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, આપ પાર્ટી રાજ્યમાં એકલા હાથે ચુંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે આ વખતે હરિયાણા વિધાનસભાની કુલ 90 બેઠકો સામે આપ પાર્ટી અંદાજે 50 બેઠકો પર ચુંટણી લડી શકે છે. 2019 ની ચૂંટણીમાં ભાજપ 40 બેઠકો અને કોંગ્રેસ 31 બેઠકો પર જીતી હતી. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ વખતે આપ પાર્ટી સાથે જોડાણ કરવા સલાહ આપી હતી. પરંતુ સીટોની વહેંચણીને લઈ સર્વ સંમતિ ના સધાતા આપ પાર્ટીએ 20 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આપ પાર્ટી કુરુક્ષેત્ર, કરનાલ, પાણીપત જેવા જિલ્લાઓમાં અમુક સીટો ઇચ્છતી હતી, આપને લાગતું હતું કે દિલ્હીથી જોડાયેલા જિલ્લાઓમાં તેમને ફાયદો થશે. મહત્વપૂર્ણ છે કે અગાઉ લોકસભાની ચૂંટણીમાં આપ અને કોંગ્રસ વચ્ચે ગઠબંધન થયું હતું.