Site icon Revoi.in

હરિયાણાઃ સેલ્ફીના ચક્કરમાં ચાર યુવાનોના ટ્રેનની અડફેટે મોત

Social Share

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં મોબાઈલ ફોન લોકોની જરૂરિયાત બની ચુક્યો છે પરંતુ કેટલીક વાર આ મોબાઈલ જ મુશ્કેલીમાં વધારો કરતો હોવાની ઘટનાઓ બને છે. મોબાઈલ ફોનમાં સેલ્ફી લેવાની ગેલછામાં અનેક લોકોએ અત્યાર સુધીમાં જીવન ગુમાવ્યાં છે. દરમિયાન હરિયાણાના ગુરુગ્રામમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ચાર યુવાનોના ટ્રેનની અડફેટે મોત થયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે.

અહેવાલો અનુસાર, સેલ્ફી લેતી વખતે ટ્રેનની અડફેટે આવેલા 4 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ યુવકો જન શતાબ્દી એક્સપ્રેસની અડફેટે આવી ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી જીઆરપી પોલીસ યુવકોની ઓળખ માટે કવાયત શરૂ કરી હતી. આ ઘટના બસાઈ ધનકોટ રેલવે સ્ટેશન પાસે બની હતી. તાજેતરમાં પણ સેલ્ફી લેવાના ચક્કરમાં પશ્ચિમ બંગાળમાં એક દૂર્ઘટના બની હતી. એક દિવસ પહેલા જ સેલ્ફી લેવાના જુસ્સામાં આવી જ એક ખતરનાક ઘટના પશ્ચિમ બંગાળમાં બની હતી.

બંગાળના મિદનાપુરમાં કોસી નદીના રેલ્વે બ્રિજ પર સેલ્ફી લેવાનો પ્રયાસ કરતી વખતે એક યુવક લોકલ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. જેમાં બે યુવકોના મોત થયા હતા. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી હતી. જીઆરપીના જણાવ્યા અનુસાર, સેલ્ફી લેતી વખતે તે ટ્રેનની સ્પીડને ધ્યાનમાં લીધા વિના સમયસર પાટા પરથી ઉતરી શક્યો ન હતો અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. જાણકારોના મતે, યુવાનોનું એક જૂથ રેલવે ટ્રેક પાસે પિકનિક માટે આવ્યું હતું અને તેઓ રેલવે ટ્રેક પર મિત્રો સાથે સેલ્ફી લેવા માટે સમય પસાર કરી રહ્યા હતા. ત્યારબાદ મિદનાપુરથી હાવડા તરફ આવતી એક લોકલ ટ્રેન આવી અને યુવકોને કચડીને નીકળી ગઈ.