નવી દિલ્હીઃ હરિયાણામાં સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બની છે. નાયબ સિંહ સૈનીએ ગુરુવારે બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમણે કુરુક્ષેત્રની લાડવા બેઠક પરથી કોંગ્રેસના મેવા સિંહને હરાવીને ચૂંટણી જીતી હતી. નાયબ સિંહ સૈની ઉપરાંત અનિલ વિજે મંત્રી પદના શપથ લીધા છે. અનિલ વિજ અંબાલા કેન્ટના ધારાસભ્ય છે. આ સિવાય બીજેપી ધારાસભ્યો કૃષ્ણલાલ પંવાર, રાવ નરબીર સિંહ, મહિપાલ ધંડા, વિપુલ ગોયલે પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.
સોનીપત સીટની ગોહાના સીટના ધારાસભ્ય અરવિંદ કુમાર શર્માને પણ નાયબ સિંહ સૈની કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપના ધારાસભ્યો શ્યામ સિંહ રાણા, રણબીર ગંગવા, કૃષ્ણ કુમાર બેદી, શ્રુતિ ચૌધરી અને આરતી સિંહ રાવે મંત્રી તરીકે શપથ લીધા. શપથ લેતા પહેલા નાયબ સિંહ સૈની પંચકુલામાં માતા મનસા દેવી મંદિર પહોંચ્યા અને પૂજા અર્ચના કરી અને માતાના આશીર્વાદ લીધા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું માતાના આશીર્વાદ મને સેવા અને સમર્પણના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપે છે.
સેક્ટર 5માં દશેરા ગ્રાઉન્ડમાં આયોજિત નાયબ સિંહ સૈનીના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, પંચકુલા અને અન્ય સીએમ, ડેપ્યુટી સીએમ, કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએના તમામ નેતાઓ હાજર છે. હરિયાણામાં 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે 90માંથી 48 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 37 બેઠકો જીતી હતી.