કેરળની વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની જીત થતા જ હવે સંસદમાં એક જ પરિવારનાં ત્રણ સભ્યો એકસાથે જોવા મળશે. માતા સોનિયા ગાંધી પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી. વાયનાડ બેઠક પર જીત મેળવ્યા બાદ પ્રિયંકા ગાંધીની સંસદમાં વિધિવત ડેબ્યુ એન્ટ્રી થઇ છે. સંસદમાં તેઓએ શપથ ગ્રહણ કરતા જ કોંગ્રેસ સહીત ઈન્ડી ગઠબંધનમાં પ્રાણ ફૂંકાયો છે.
મહત્વપૂર્ણ છે કે ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશના રાયબરેલી અને કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠકો પરથી જીત્યા હતા. નિયમાનુસાર સાંસદ કોઈ જીતેલી કોઈ એક જ બેઠક જાળવી રાખી શકે છે અને બીજી બેઠક ખાલી કરવી પડતી હોય છે. ત્યારે રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક જાળવી રાખી વાયનાડ લોકસભા સીટ ખાલી કરી હતી, તે સમયે વાયનાડનાં મતદારોનો રાહુલે આભાર માન્યો હતો અને ત્યારે જ જાહેરાત કરી હતી કે આ સીટ પરથી બેન પ્રિયંકા ગાંધીને ઉતારવામાં આવશે. જે બાદ પેટાચૂંટણી માટે પ્રિયંકા એ નામાંકનપત્ર ભર્યું હતું. જે બાદ પેટા ચૂંટણીમાં પ્રિયંકાએ રાહુલ ગાંધીનો પણ રેકોર્ડ તોડતા 6 લાખ 22 હજાર મત મેળવ્યા હતા, અને 4 લાખ 10 હાજર વોટની જંગી લીડ હાંસલ કરી હતી.
ત્યારે હવે કોંગેસ પાસે ફરી એકવાર ફરી એકવાર લોકસભામાં 99 સાંસદો છે. આમ રાહુલ ગાંધીએ ખાલી કરેલી વાયનાડ બેઠક પર ફરી કોંગ્રેસનો કબજો આવી ગયો છે. ત્યારે આ પહેલીવાર બન્યું છે કે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા ગાંધી પરિવારના ત્રણ સભ્યો એકસાથે સંસદમાં જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી રાયબરેલીથી લોકસભાના સાંસદ છે અને પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડથી છે. જ્યારે સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે. પ્રિયંકા ગાંધી આમ તો વર્ષ ૨૦૧૯ થી રાજકારણમાં સક્રિય થયા હતા. અગાઉ તેઓ AICC જનરલ સેક્રેટરીનો ચાર્જ સંભાળી ચુક્યા છે. વાયનાડ બેઠક ગાંધી પરિવારે જાળવી રાખવાથી સૌથી મોટો ફાયદો કોંગ્રેસને એ થશે કે તેઓ ઉત્તર ભારતની જેમ દક્ષીણ ભારતમાં પણ પકડ જમાવી શકે છે.
અહી આપને જણાવવાનું કે નેહરુ ગાંધી પરિવાર એક સદી કરતા પણ વધારે સમયથી રાજકારણમાં સક્રિય છે. મોતીલાલ નેહરુથી લઇ જવાહરલાલ નેહરુનાં વંશજોએ રાજકારણને જીવનનું અભિન્ન અંગ બનાવ્યું છે. જવાહરલાલ નેહરુ 17 વર્ષ દેશના વડાપ્રધાનપદ પર રહ્યા હતા. નેહરુ સૌપ્રથમ વાર અલાહાબાદ ની ફૂલપુર લોકસભા સીટ પરથી ચૂંટાઈ આવ્યા હતા. તો એક સમયે ગુંગી ગુડિયા તરીકે ઓળખાતા પુત્રી ઇન્દિરા ગાંધી પણ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન પણ બન્યા હતા અને મજબુત નેતૃત્વ થકી લોખંડી મહિલા પણ કહેવાયા. જો વાત રાયબરેલી લોકસભા સીટની કરવામાં આવે તો રાયબરેલી અને ગાંધી પરિવારનો નાતો વર્ષ 1952 થી શરુ થયો.
ઇન્દિરા ગાંધીનાં પતિ ફિરોઝ ગાંધી સૌ પ્રથમ વાર રાયબરેલી બેઠક પર 1952માં અને અને ત્યારબાદ 1957 માં એમ કુલ બે વાર ચૂંટાઈ આવ્યા હતા. ૧૯૬૦ માં ફિરોઝ ગાંધીનું નિધન થયું હતું. વર્ષ ઇન્દિરા ગાંધી 1967 માં ચૂંટણી લડીને સંસદમાં પહોચ્યા હતા. જો કે આજે પણ અનેક લોકો એવા છે કે જે ઇન્દિરા ગાંધી અટક ગાંધીજી પરથી આવી તેવું માને છે. હકીકત એ છે કે પારસી એવા ફિરોઝ ગાંધી સાથે લગ્ન કરી ઇન્દિરા નેહરુ માંથી ઇન્દિરા ગાંધી બન્યા હતા. 1971 માં પણ તેઓ રાયબરેલીથી લોકસભા સીટ પરથી લડ્યા અને જીત્યા. જોકે કટોકટી જાહેર કર્યા બાદ દેશભરમાં તેમની ઈમેજને ખુબ નુકસાન પહોચ્યું હતું. વર્ષ 1977 માં ચુંટણી થઇ.
ફરી એકવાર રાયબરેલી સીટ પસંદ કરી. પણ આ વખતે જનતા દળના નેતાએ તેમને હરાવ્યા. 1980 માં જનતા દલ સરકાર પડી ભાંગતા ફરી ચૂંટણી આવી. આ વખતે ઇન્દિરા રાયબરેલી ઉપરાંત આંધ્ર પ્રદેશમાં આવેલી મેડક લોકસભા એમ બે સ્થળેથી લડ્યા. બંને બેઠકો જીત્યા, આ વખતે તેમણે રાયબરેલી સીટ ખાલી કરી. સોનિયા ગાંધીનાં પતિ અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીનું વર્ષ 1991 માં અવસાન થયાના સાત વર્ષ બાદ સોનિયા રાજકારણમાં આવ્યા હતા. અમેઠી થી સાંસદ તરીકે લોકસભામાં પ્રવેશ્યા. ત્યારબાદ વર્ષ 2004, 2009, 2014 અને 2019 એમ કુલ ચાર વાર રાયબરેલી થી લડ્યા અને જીત્યા. અને ૨૦૨૪ માં રાહુલ ગાંધી એ આ સીટ જાળવી.. આમ એકસાથે સંસદમાં એક જ પરિવારનાં ત્રણ નેતા અને રાયબરેલીનો નાતો જળવાઈ રહ્યો છે.