Site icon Revoi.in

હાથરસ કેસઃ સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા લખનૌમાં તપાસપંચ સમક્ષ હાજર થયા

Social Share

લખનૌઃ પ્રદેશના હાથરસ જિલ્લામાં તેના સત્સંગ પછી ફાટી નીકળેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. આ કેસમાં બાબા સૂરજપાલ ઉર્ફે ‘ભોલે બાબા’ તપાસપંચ સમક્ષ ઉપસ્થિત રહ્યો હતો. સૂરજપાલને નારાયણ સાકર હરી તરીકે પણ ઓળખવામાં આવે છે, હાથરસ જિલ્લાના સિકંદરરૌ વિસ્તારના ફુલરાઈ ગામમાં 2 જુલાઈની નાસભાગ પછી નોંધાયેલી એફઆઈઆરમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું ન હતું.

ઉત્તર પ્રદેશ સરકારે 3 જુલાઈના રોજ હાથરસ દુર્ઘટના અને નાસભાગ પાછળ કોઈ ષડયંત્રની શક્યતાની તપાસ કરવા માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરી હતી. સૂરજપાલના વકીલ એ.પી. સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે, ન્યાયિક પંચની ઓફિસ અહીં (લખનૌ) છે અને આજે નારાયણ સાકર હરિ (સૂરજપાલ)ને તેમનું નિવેદન આપવા માટે અહીં બોલાવવામાં આવ્યા હતા.

એપી સિંહે જણાવ્યું હતું કે, “અમને ઉત્તર પ્રદેશ પોલીસ, ન્યાયતંત્ર, રાજ્ય સરકાર અને કેન્દ્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે. અમને ન્યાય આપવામાં આવશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ”અમે વચન આપ્યું હતું કે જ્યારે પણ કોઈ તપાસ પેનલ અથવા તપાસ એજન્સી નારાયણ સાકર હરિને બોલાવશે ત્યારે તેઓ હાજર રહેશે. તેને આજે બોલાવવામાં આવ્યો હતો, તેથી જ તે અહીં આવ્યો છે. તેમને જે પણ પૂછવામાં આવશે, તે તેના પર પોતાનું નિવેદન આપશે.

નાસભાગના કેસમાં પોલીસે સ્વયંભૂ બાબા સૂરજપાલના કાર્યક્રમના આયોજનમાં સામેલ 11 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓમાંથી એક મંજુ યાદવ હાલ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર જામીન પર બહાર છે.