Site icon Revoi.in

હાથરસ નાસભાગ કેસઃ કોર્ટમાં 3200 પાનાની ચાર્જશીટ દાખલ, 11 લોકોને બનાવ્યા આરોપી

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશ પોલીસે 2 જુલાઈના રોજ યુપીના હાથરસ જિલ્લામાં નારાયણ સાકર હરિ ‘ભોલે બાબા’ સભા દરમિયાન થયેલી નાસભાગના કેસમાં કોર્ટમાં 3200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ઘટનામાં 121 લોકોના મોત થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચાર્જશીટમાં 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાં તે લોકો પણ સામેલ છે જેમણે આ કાર્યક્રમ માટે પરવાનગી લીધી હતી. બચાવ પક્ષના વકીલ એ.પી. સિંહે કહ્યું કે, પોલીસે 3200 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે.

કોર્ટે આરોપીઓને ચાર્જશીટની નકલો આપવા માટે 4 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે. તેમણે કહ્યું કે કાર્યક્રમના મુખ્ય આયોજક દેવ પ્રકાશ મધુકર સહિત 10 આરોપીઓને અલીગઢ જિલ્લા જેલમાંથી હાથરસ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓમાંથી એક મંજુ યાદવ હાલ અલ્હાબાદ હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ બહાર છે.

સિંહે કહ્યું કે આ મામલે અલગથી ન્યાયિક તપાસ પણ કરવામાં આવી રહી છે. હાથરસ જિલ્લાના સિકંદરરાઉ વિસ્તારના ફૂલરાઈ ગામમાં 2 જુલાઈના રોજ સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિના મેળાવડા દરમિયાન થયેલી નાસભાગમાં કુલ 121 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ હતી.

પોલીસ સહિત સરકારી એજન્સીઓએ કાર્યક્રમના ગેરવહીવટ માટે આયોજકોને જવાબદાર ઠેરવ્યા છે. પ્રશાસને કહ્યું હતું કે, આયોજકોએ કહ્યું હતું કે કાર્યક્રમમાં 80 હજાર લોકોની ભીડ એકઠી થશે પરંતુ ત્યાં 2.5 લાખ લોકો એકઠા થયા હતા. જોકે, ‘સ્વયંભુ’ બાબાના વકીલે દાવો કર્યો હતો કે ‘કેટલાક અજાણ્યા લોકો’ દ્વારા ‘ઝેરી સ્પ્રે’ છાંટવાને કારણે નાસભાગ મચી ગઈ હતી.