લખનૌઃ હાથરસ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાધાત પડ્યાં છે અને સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. બીજી તરફ સરકારે પણ સમગ્ર ઘટનાને લઈને તપાસના આદેશ કર્યાં હતા. દરમિયાન એસડીએમએ સમગ્ર ઘટનાની તપાસનો અહેવાલ સોંપ્યો છે. જેમાં ચોંકાનાવારા ખુલાસા કરવામાં આવ્યાં છે. મંજુરી વગર કરવામાં આવેલા આ ધાર્મિક કાર્યક્રમમાં બે લાખથી વધારે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. એટલું જ નહીં આયોજકો દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધાને લઈને કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
SDMએ હાથરસ અકસ્માતનો તપાસ રિપોર્ટ સોંપ્યો છે, જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. આ રિપોર્ટમાં ઘણી મહત્વની બાબતો સામે આવી છે. રિપોર્ટ અનુસાર ભોલે બાબાના સત્સંગમાં 2 લાખથી વધુ લોકોની ભીડ આવી હતી જ્યારે બાબા સત્સંગ પછી બહાર આવ્યા તો લોકો તેમની પાછળ દોડવા લાગ્યા હતા. બાબાના પગની ધૂળ એકઠી કરવા માટે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જે બાદ બાબાની અંગત સુરક્ષા કર્મચારીઓ અને ભક્તો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જ્યારે લોકો ત્યાંથી ભાગ્યા ત્યારે તેઓ લપસીને સ્વેમ્પ અને નીચી જમીન પર પડ્યા અને નાસભાગ મચી ગઈ હતી. જે બાદ બાબાનો ચમત્કાર ચીસોમાં ફેરવાઈ ગયો હતો. બે લાખ લોકોના કાર્યક્રમની મંજૂરી પણ વહીવટીતંત્ર પાસેથી લેવામાં આવી ન હતી. 2 લાખ લોકો સત્સંગમાં આવી રહ્યા છે જેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યાં ન તો તબીબી સુવિધા હતી, ન ખાવાની સગવડ હતી, ન તો વાહનવ્યવહારનું કોઈ સાધન હતું, ન તો ઈમરજન્સી રૂટ બનાવવામાં આવ્યો હતો.
હાથરસ જિલ્લામાં ફુલરઈ ગામમાં નારાયણ સાકાર વિશ્વ હરિના નામથી જાણીતા ભોલે બાબાના ધાર્મિક કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યાં હતા. હાથરસ દૂર્ઘટનામાં પોલીસ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર સહિત 22 આયોજકો અને સેવકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પુરાવાને છુપાવવા બદલ પણ કાર્યવાહી કરવામાં આવી છે.