નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ઈમરાન ખાન પોતાની સત્તા બચાવવા માટે હવાતિયા મારી રહ્યાં છે. દરમિયાન ઈમરાન ખાને કેબિનેટની તાત્કાલિક બેઠક બોલાવી છે. આવતીકાલે સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત ઉપર મતદાન પૂર્વે ઈમરાન ખાને ભાવનાત્મક સંદેશ આપતા કહ્યું કે, હંમેશાથી પાકિસ્તાન માટે સંઘર્ષ કરી રહ્યો છું અને અંતિમ બોલ સુધી સંઘર્ષ કરતો રહીશ. ઈમરાન સરકાર અવિશ્વાસ પ્રસ્તાવમાં હાર થઈ તો નવાઝ શરીફના પરિવારની સત્તામાં વાપસી થશે. વિપક્ષે નવાઝ શરીફના નાનાભાઈ શહબાદ શરીફને પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સંસદમાં ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત ડેપ્યુટી સ્પીકરે ફગાવી દીધી હતી. તેમજ ઈમરાન ખાનની વિનંતીને આધારે સંસદ ભંગ કરીને 90 દિવસમાં ચૂંટણીની જાહેરાત કરી હતી. જો કે, સ્પીકરના નિર્ણયને વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈમરાનખાનને ઝટકો આપીને અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવવાના નિર્ણયને ગેરબંધરણીય ઠરાવ્યો હતો. તેમજ જ 9મી એપ્રિલે મતદાનનો નિર્દેશ કર્યો હતો. જેથી અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો ના કરવો પડે તે માટે પ્રયાસ કરનારા ઈમરાનખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ પોતાની શાખ બચાવવા માટે ઈમરાન ખાન હવે હવાતિયા મારી રહ્યાં છે. ઈમરાન ખાને કેબિનેટની બેઠક બોલાવી છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ નવાઝ શરીફએ ખાલિદ મકબુત સિદ્દીકીએ ફોન કર્યો હતો. શરીફે કહ્યું હતું કે, કોર્ટનો આદેશ સંવિધાનની જીત છે. જેમાં એમક્યુએમની ભૂમિકા મહત્વની રહી છે. ખાલિદ મકબુત સિદ્દીકીએ કહ્યું કે, રાજકીય પાર્ટી હંમેશા સંવિધાનનું સમર્થન કરે છે, કોર્ટના આદેશથી પાકિસ્તાનને આર્થિક રીતે બરબાદ કરનાર વ્યક્તિથી રાહત મળશે.