Site icon Revoi.in

સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટેનો પ્લાન રજુ કરવા AMC અને GPCBને HCનો આદેશ

Social Share

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં PIL દાખલ થઈ હતી. હાઇકોર્ટ દ્વારા અગાઉ સુનાવણી દરમિયાન સાબરમતીમાં પ્રદૂષણ રોકવા અને તપાસ અર્થે AMC, GPCB અને CPCBને પણ નિર્દેશો જાહેર કરાયા હતા. દરમિયાન શુક્રવારે સુનાવણીમાં હાઈકોર્ટે એએમસી અને જીપીસીબીને નદીમાં ઠલવાતા પ્રદુષણને રોકવા માટે પ્લાન રજુ કરવાનો આદેશ કર્યો હતો,

ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ વૈભવી નાણાવટીની બેન્ચ સમક્ષ આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટ મિત્ર હેમાંગ શાહે ગત સુનવણીમાં રજૂ કરેલા અહેવાલ મુદ્દે AMC અને GPCBએ એફિડેવિટ ફાઈલ કરી હતી. આ મુદ્દે AMCના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, STP પ્લાન્ટમાંથી નીકળતા પાણીનાં સેમ્પલ એકઠા કરવા AMC 16 ટીમ દ્વારા ડ્રાઇવ ચલાવે છે. GPCB-ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને ગેરકાયદેસર જોડાણ મારફતે થતાં પ્રદૂષણની માહિતી અપાઈ છે. ડ્રાઇવ વિશે કોર્ટે કહ્યું હતું કે, AMCને હાઇકોર્ટની નોટીસ મળી એટલે ડ્રાઇવ ચલાવે છે, પોતાની ફરજ સમજીને નહીં,  જો AMC એ પહેલાથી જ ડ્રાઇવ કરી હોત તો ડ્રેનેજ લાઈનોમાં ગેરકાયદેસર જોડાણ થાત નહિ. AMCના વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 100 કિલોમીટર જેટલી ડ્રેનેજ લાઈન છે. ઔધોગિક એકમો તેમાં હોલ પાડીને કચરો નાખે છે. અમે તેવા એકમોના કનેક્શનને સીલ કરી દઈએ છીએ.

કોર્ટ સમક્ષ એવી દલીલ પણ થઈ હતી કે,  STPમાંથી નીકળતા પાણીની ક્વોલિટી નિયમો મુજબ નથી. જાન્યુઆરી 2023થી જુલાઈ 2023 સુધીમાં આ પાણીમાંનું પ્રદૂષણ નિયત માત્રા કરતાં વધુ હતું. CATP-કોમન એફલુઅંટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે પ્રદુષિત ઇન્ડટ્રીયલ પાણીને શુદ્ધ કરે છે. તેના માટે તેના સંચાલક અને GPCB જવાબદાર છે. AMC દ્વારા ચાલતા 10 STP પ્લાન્ટ તેની કાર્યક્ષમતા મુજબ કામ કરતા નથી. સુએજ લાઈનમાં ગેરકાયદેસર રીતે ઔધોગિક એકમોના જોડાણ થયા છે. જેથી નુકશાન વધ્યું છે તેમાં GPCB પણ જવાબદાર છે. દરમિયાન STP પ્લાન્ટ વિશે કોર્ટે પૂછ્યું હતું કે, તેને અપગ્રેડ કરવા AMC એ શું કર્યું છે ? જેના જવાબમાં AMCના વકીલે જણાવ્યું હતું કે વર્લ્ડ બેન્કે તેમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ સ્વીકાર્યું છે. તેનું અપગ્રેડેશન કોર્પોરેશન દ્વારા જ થશે. ઉપરાંત અમદાવાદમાં 2 નવા STP પ્લાન્ટ બનશે. આમ, કુલ STP પ્લાન્ટની સંખ્યા 12 થશે. કોર્ટે આ મુદ્દે AMCને કહ્યું હતું કે, તમારા વર્તમાન STP પ્લાન્ટ ક્ષમતા મુજબ કામ કરતા નથી. આવી રીતે કામ કરશો તો પ્રદૂષણ કેમ અટકશે? AMC અને GPCB દ્વારા સાબરમતીમાં પ્રદૂષણ અટકાવવા કેમ નક્કર પગલાં લેવાતા નથી. AMC એકલું જ આ કામ કરવા સક્ષમ છે. જ્યારે કોર્ટ વખતોવખતની સુનાવણીમાં AMCને પ્રશ્ન કરે ત્યારે તેઓ જે-તે મુદ્દા પર એફિડેવિટ ફાઈલ કરે છે. કોર્ટ સમક્ષ ટુકડે ટુકડે અને અસ્પષ્ટ જવાબ નહીં સાબરમતીમાં પ્રદુષણ અટકાવવા ચોખ્ખો રોડમેપ અને ટાઇમલાઈન રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો.

કોર્ટે વધુમાં કહ્યું હતું કે, તમે ઓથોરિટી છો. તમારૂ કામ તમારે જાતે કરવાનું છે. તેમાં સમસ્યા આવે તે તમારે જ દૂર કરવાની છે. કોર્ટ તમારા કામની સમસ્યા સાંભળવા નથી બેઠી. તમે આજે પણ તમામ ગેરકાયદેસર કનેક્શન કાપી નાખ્યા તેવું કહ્યું નથી. ફક્ત સમસ્યાઓ વર્ણવો છો. તમે જવાબદાર વ્યક્તિ છો, તમારી પાસે વિઝન હોવું જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કમીશ્નર એક જ એફિડેવિટ ફાઈલ કરે બાકી તેનો અમલ તંત્ર કરે. આ એફિડેવિટ વિઝનરી હોવી જોઈએ. જેમાં નદીના પ્રદુષણ અંગેના લાંબાગાળાના અને ટૂંકા ગાળાના પગલાં તેમજ સમયબદ્ધ નિરાકરણોનો ઉલ્લેખ હોવો જોઈએ. તમે ગેરકાયદેસર જોડાણો કાપી નાખો તે ફરી જોડાઈ જાય છે તો તમે નક્કર પગલાં કેમ નથી લેતા. આવા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. આ મુદ્દે કોર્ટે GPCBને ફટકારી લગાવી હતી