Site icon Revoi.in

કોલેજોમાં રેગિંગ રોકવા માટે એક્શન ટેકન રિપોર્ટ રજુ કરો, ગુજરાત સરકારને હાઈકોર્ટનો આદેશ

Social Share

ગાંઘીનગરઃ  ગુજરાતમાં કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે રેગિંગના બનાવો બનતા હોય છે. ઘણા કેસ પ્રકાશમાં આવતા હોય તો ઘણા કેસમાં કોલેજના સત્તાધિશોની સમજાવટથી સમાધાન પણ થઈ જતું હોય છે. ગુજરાતમાં થોડા સમય પહેલા  રેગિંગના બે કેસ નોંધાયા હતા. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રેગિંગના મામલે સુઓમોટો દાખલ કરીને એક્શન ટેકન રિપાર્ટ આપવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે.

રાજ્યભરની કોલેજમાં થતાં રેગિંગ મામલે હાઈકોર્ટે સુઓમોટો લીધી છે. જેમાં હાઈકોર્ટે સરકાર પાસે રેગિંગની ફરિયાદો અંગે જવાબ માગ્યો છે. જેમાં અત્યાર સુધી કેટલી ફરિયાદો આવી છે તેનો એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. જેની સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોલેજમાં રેગિંગના લીધે યુવાનોના આત્મહત્યાના બનાવો વધ્યા છે તે ચિંતાજનક છે. થોડા સમય પહેલા મેડિકલમાં અભ્યાસ કરતા બે યુવાનોએ સિનિયરો દ્વારા થયેલા રેગિંગના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. રાજ્યભરમાં મેડિકલ સહિતની કોલેજમાં અભ્યાસ કરતાં યુવાન-યુવતીઓ સાથે રેગિંગના બનાવો વધી રહ્યા છે. પરંતુ સરકાર કે કોલેજ સત્તાવાળાએ રેગિંગની ઘટનાઓ રોકવા કોઈ નિયમ બનાવ્યા નથી. જેથી આપઘાતના બનાવો બને છે. જે પૈકીના એક કિસ્સામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર પાસે સિનિયર ડોક્ટરો ઘરના કામ કરાવતા હતા તેમજ પરીક્ષા હોવા છતાં નાઇટ શીફટ આપવા દબાણ કરતા હોવાથી વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. પરતું જવાબદાર સિનિયર ડોક્ટરો સામે હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી. આવો જ બનાવ સુરતમાં પણ બન્યો હતો. હાઈકોર્ટે આવા બનાવો વધતા સુઓમોટો લીધી હતી. કોર્ટે એવી ટકોર કરી હતી કે, રેગિંગના કારણે રાજ્યના અનેક યુવાન-યુવતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે પરતું સરકારે તેના પર કોઇ નિયમો ઘડયા કેમ નથી? જો સરકાર પાસે આવી ફરિયાદ આવી હોય તો કેટલી ફરિયાદો આવી છે? અને તેના પર શું પગલા લીધા? તેનો જવાબ માગ્યો છે.