રાજકોટની ખાનગી લો કોલેજના 460 વિદ્યાર્થીઓની પરીક્ષા 15મી જુન સુધીમાં લેવા યુનિને HCનો આદેશ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અડધો ડઝન જેટલી ખાનગી લો કોલેજોના એલએલએમ સેમેસ્ટર-1ના 460 જેટલા વિદ્યાર્થીઓની ગત વર્ષે પરીક્ષા લેવામાં આવી નહતી. અને એવું કારણ આપવામાં આવ્યું હતું કે, બાર કાઉન્સિલની મંજુરી લીધી ન હોવાથી પરીક્ષા લઈ શકાય નહી, આથી યુનિના નિર્ણય સામે ખાનગી કોલેજોના સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગી હતી. હાઇકોર્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફટકાર લગાવી છે અને ગત વર્ષના LLM સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું શેડ્યુલ તા. 15 જૂન સુધીમાં જાહેર કરવા માટે આદેશ કર્યો હતો.
આ કેસની વિગતો એવી હતી કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીના સમયગાળામાં 8 જેટલી ખાનગી કોલેજોને LLM કોર્સની માન્યતા આપી હતી. બાદમાં ભીમાણી દૂર થતાં ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડૉ. નીલાંબરી દવેને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જેથી તેમના દ્વારા પૂર્વ કુલપતિના સમયગાળામાં બાર કાઉન્સિલના નિયમ વિરુદ્ધ LLM કોર્સની માન્યતા આપવામાં આવી હોવાનું કહીને ગત વર્ષે LLMમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની પરીક્ષા અટકાવી દેવામાં આવી હતી. તેથી ખાનગી કોલેજોની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનમાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા પણ અટકાવી દેવામાં આવી હતી. જેની સામે ખાનગી કોલેજોના સંચાલકોએ હાઈકોર્ટમાં રિટ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દલીલ એ હતી કે પૂર્વ કુલપતિના સમયમાં ખાનગી કોલેજોને અપાયેલી LLM કોર્સની માન્યતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ આપી ન શકાય, પરંતુ હવે આ દલીલનો છેદ ઊડી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલસચિવ ડો. રમેશ પરમારે જણાવ્યું હતું કે, હાઇકોર્ટમાં આ બાબતે હિયરિંગ હતું. જેમાં નામદાર હાઈકોર્ટ દ્વારા LLMના વિદ્યાર્થીઓની પરીક્ષાનું શેડ્યુલ તા. 15 જૂન પહેલા જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષાનું શેડ્યૂલ જાહેર કરી દેશે. આ મામલે ખાનગી કોલેજોના સંચાલકો તરફથી હાઇકોર્ટમાં ગયેલા પરેશ ઠાકરે જણાવ્યું હતું કે, હાઇકોર્ટના આદેશ બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 6 કોલેજમાં LLM માં ગત વર્ષે પ્રવેશ મેળવતા 460 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા હવે ટૂંક સમયમાં લેવાઈ જશે. જેથી વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થઈ છે.