અમદાવાદઃ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા વિસ્તારનાં ગામોમાં ગેરકાયદે ખેડાણના મુદ્દે વન વિભાગના કર્મચારીને ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘરે બોલાવીને ધમકાવીને મારા માર્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા વસાવાએ આગોતરા જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી બાદ હાઈકોર્ટે આગોતરા જામીન નામજુર કર્યા હતા. કોર્ટે એવો પણ પ્રશ્ન કર્યા હતો કે, કયા અધિકારો હેઠળ ધારાસભ્યએ વનકર્મીને બોલાવ્યા હતા.
દેડિયાપાડામાં વન વિભાગની જમીન પર આદિવાસી ખેડુતે વાવેતર કર્યુ હતુ. જેને વન વિભાગે હટાવી દેતા ગરીબ આદિવાસી ખેડુતને વળતર આપવાના મુદ્દે વન વિભાગના કર્મચારીને ધારાસભ્યએ પોતાના ઘેર બોલાવ્યો હતો. ત્યારબાદ વન વિભાગના કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે માર માર્યાની અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધારાસભ્યની પત્નીની ધરપકડ કરી હતી, જ્યારે ધારાસભ્યએ આગોતરા જામીન મેળવવા હોઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે હાઈકોર્ટે ચૈતર વસાવાને રાહત આપી નથી. સરકારી વકીલે પણ કોર્ટમાં ચૈતર વસાવાનો વિરોધ કર્યો હતો. કોર્ટે ચૈતર વસાવાને કહ્યું હતું કે, કયા અધિકારો હેઠળ તમે વનકર્મને બોલાવ્યા હતા.
ચૈતર વસાવાએ વકીલ મારફતે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, હું ધારાસભ્ય છું, ક્યાંય જવાનો નથી. તો સામે પક્ષે સરકારે પણ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ એક કસ્ટોડિયલ ઇન્ટરોગેશન નો કેસ છે અને ગંભીર કેસ છે. તેથી અરજી નામંજૂર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે. કે, ચૈતર વસાવા સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે ફરિયાદ નોંધી હતી. આ કામમાં ધારાસભ્યની પત્ની સહિત અન્ય બે આરોપીઓ સામેલ હતા. જે ફરિયાદ નોંધાતા પોલીસે ચૈતર વસાવાની પત્ની શકુંતલાની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. જ્યારે ચૈતર વસાવા ફરાર થઈ ગયા હતા. ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નીચલી કોર્ટે ફગાવી દીધી છે અને ધારાસભ્ય સામે વોરન્ટ કાઢ્યું છે. જ્યારે પકડાયેલા આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવામાં આવ્યા હતા. બાદમાં સ્થાનિક કોર્ટમાં ચૈતર વસાવાની પત્નીએ જામીન અરજી દાખલ કરી હતી. જેને ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી હતી. જેથી ચૈતર વસાવાની પત્નીએ ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જેની દલીલો બે દિવસ પહેલા જજ દિવ્યેશ જોશીની કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. (File photo)