વડોદરા બોટ દુર્ધટના કેસમાં HCએ માંગ્યો ખૂલાસો, કોન્ટ્રાક્ટર જેટલા જ મ્યુનિ. અધિકારીઓ જવાબદાર
અમદાવાદ: વડોદરાની હરણી બોટ દુર્ઘટના મામલે સુઓમોટા દાખલ કર્યા બાદ કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કોર્પોરેશનને સવાલ કર્યો હતો કે આ બનાવ બન્યો તે પહેલા શું તપાસ કરી હતી. હંમેશા દુર્ઘટના બન્યા બાદ જ કેમ તંત્ર જાગે છે. કોર્ટે એ પણ ટકોર કરી કે તમે ભલે 100 પગલા લીધા હશે પરંતુ એ પૂરતા નથી. શું એક્શન લીધા તે મહત્વનું છે. આ કેસમાં કોન્ટ્રાકટર જેટલાં જ મ્યુનિ.ના અધિકારીઓ પણ જવાબદાર છે.
વડોદરા બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનની રજૂઆત પર સુઓમોટો હાથ ધરવામાં આવી હતી, જેની સોમવારે પહેલી સુનાવણી હતી,. જે ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. સુઓમોટો અરજીમાં કોર્ટે કોર્ટ મિત્ર તરીકે હેમાંગ શાહ અને તૃષા પટેલની નિમણૂક કરી છે. સોમવારે સુનાવણીમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ઉપસ્થિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે સાંજે 4:45 કલાકે ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ પોલીસ કંટ્રોલરૂમમાં ઘટનાનો ફોન આવ્યો હતો. આ ઘટના વડોદરાના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જેથી તે પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ઘટના બનતાં જ રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ થઈ ચૂક્યું હતું. એ જ સમયની આસપાસ યોગેશ પરમારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર રેસ્ક્યૂ ટીમને ઘટના અંગે જાણ કરી હતી. સ્થાનિક માણસો પણ બચાવ કામગીરીમાં આવી ગયા હતા. NDRFના સ્ટાફને પણ ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીએ બોલાવી દીધો હતો. 15 જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી તેમજ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ સારવાર આપવામાં આવી હતી.
ગુજરાત હાઈકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન વેધક સવાલો ઊઠાવ્યા હતા કે, શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે? જે લોકો એક્ટિવીટી ચલાવે છે તેમનો જવાબ જોઈએ, કોન્ટ્રાકટર તો કોન્ટ્રાકટર છે પરંતુ અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ, વડોદરા મ્યુનિસિપલ કમિશનરને વ્યક્તિગત સોગંદનામુ દાખલ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો હતો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને હરણી દુર્ઘટના મામલે હજુ સુધી રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને સોંપ્યો નથી, સરકારના કડક આદેશ છતા વડોદરા કલેક્ટર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. વડોદરા કલેક્ટરે સચિવ પાસે વધુ 5 દિવસ માગ્યા છે. કલેક્ટર એ.બી. ગોરે સરકાર પાસે 5 દિવસનો સમય માગ્યો છે. કલેક્ટરે રિપોર્ટ સોંપવાનો હતો જો કે હજુ કેટલીક વિગતો મેળવવાની બાકી હોવાનું જણાવાયુ છે. ગૃહરાજ્યમંત્રીએ 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા કડક આદેશ આપ્યા હતા. આ ઘટનાના 10 દિવસ બાદ પણ તંત્ર દ્વા્રા રિપોર્ટ તૈયાર કરવામાં વિલંબ થઈ રહ્યો છે.