ગાંધીનગરઃ કલોલના છત્રાલમાં એક વિચિત્ર ઘટના બની હતી જેમાં ચોરી કરવા આવેલો ચોરનું માથું દુકાનના પતરામાં ફસાઈ જતાં મોતને ભેટ્યો હતો. છત્રાલ GIDCમાં આવેલી મોબાઇલની દુકાનમાં ચોરી કરવા માટે ચોર દુકાનના પતરાની છત પર ચડ્યો હતો અને અડધા ફૂટ જેટલું પતરૂ ઊંચુ કરી અંદર ઉતારવાની કોશિશ દરમિયાન તેનું ગળું પતરામાં ફસાઈ ગયુ હતું અને શરીરનો બીજો ભાગ નીચે લટકી રહ્યો હતો. જેનાં કારણે ગળાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી ચોરનું વિચિત્ર સ્થિતિમાં મોત નીપજ્યું હતું. આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ જીઆઈડીસીમાં ચોરીના ઈરાદે છત પરથી દુકાનમાં ઘૂસવાની કોશિશ કરનારો ચોર વિચિત્ર રીતે મોતને ભેટયો હતો. કલોલના બોરીસણા રોડ શિવમ પ્લાઝામાં રહેતા યજ્ઞેશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ છત્રાલ જીઆઈડીસી કેપિટલ ચોકડી લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટ રોડ પર આવેલી દુકાનો પૈકીની એક દુકાનમાં નવકાર મોબાઇલ નામની દુકાન ચલાવે છે. ગત તા. 9મી ઓગસ્ટના રોજ યજ્ઞેશભાઈ નિત્યક્રમ મુજબ સવારે દુકાન પર આવેલા હતા અને દુકાનનું શટર ખોલતા જ અંદરનું દ્રશ્ય જોઈ ગભરાઈ ગયા હતા. તેમની દુકાનની છતમાં એક ઈસમ ગળા સિવાયના ભાગથી લટકી રહ્યો હતો. જેનાં પગલે તેઓએ તાબડતોબ તેમના પિતાને પણ દુકાન પર બોલાવી લીધા હતા.બાદમાં પિતા પુત્રએ દુકાનની છત પર ચડીને તપાસ કરતા છતનું પતરૂ અડધા ફૂટ જેટલું ખુલ્લું હતું અને ઈસમના બંને હાથ ઉપર રહી ગયેલા અને તેના ગળાના ભાગે પતરાની ધાર ફસાયેલી હતી. તેમજ બાકી શરીરનો ભાગ દુકાનમાં નીચે લટકતો હતો. આ દ્રશ્ય જોઈ પિતા પુત્ર પણ અવાક થઈ ગયા હતા.
બનાવની જાણ થતાં આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે તપાસ તપાસ કરતા માલુમ પડેલું કે મૃતક ચોર મેક્સિમા કંપનીની કોલોનીમાં રહેતો 26 વર્ષીય અર્જુન છોટે કોલ (મૂળ. ઉત્તર પ્રદેશ ) હોવાનું ખુલ્યું હતું. જે રાજુભાઈના ત્યાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં કલોલ તાલુકા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને મૃતકની લાશને નીચે ઉતારી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.