નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર (WPI) નજીવો વધીને 0.5 ટકા થયો છે, જે અગાઉના મહિનામાં 0.2 ટકા હતો. સરકાર દ્વારા સોમવારે આ સંબંધિત ડેટા જાહેર કરવામાં આવ્યા હતા. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચમાં વાર્ષિક ધોરણે જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો વધીને 0.53 ટકા થયો હતો, જે ફેબ્રુઆરીમાં 0.20 ટકા હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર, ડુંગળીની જથ્થાબંધ કિંમત ફેબ્રુઆરીમાં 29.22 ટકા વધી છે જે માર્ચમાં 56.99 ટકા સુધી હતી. ભારતને આગામી ખરીફ પાકની લણણીની આપૂર્તિમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન બટાકાના જથ્થાબંધ સૂચકાંક માર્ચમાં 52.96 ટકા વધી જ્યારે ફેબ્રુઆરીમાં તેમાં 15.34 ટકા વૃદ્ધિ થઈ હતી. આંકડા અનુસાર એક વર્ષ પહેલા માર્ચ મહિનામાં ડુંગળીની જથ્થૂબંધ કિંમતમાં 36.83 ટકા અને બટાટામાં 25.59 ટકા ઘટાડો આવ્યો હતો.
ફેબ્રુઆરી, 2024 ની સરખામણીમાં માર્ચ, 2024 મહિના માટે WPI ઇન્ડેક્સમાં મહિના દર મહિને ફેરફાર 0.40 ટકા હતો. ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે 4.1 ટકા વધ્યા બાદ માર્ચમાં જથ્થાબંધ ખાદ્ય ફુગાવો વધીને 4.7 ટકા થયો હતો. માસિક ધોરણે, ફેબ્રુઆરીમાં 0.11 ટકા વધ્યા પછી માર્ચમાં ખાદ્ય ફુગાવો 1.01 ટકા વધ્યો છે.
માર્ચ, 2024માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, વીજળી, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, મશીનરી અને સાધનો અને અન્ય ઉત્પાદન વગેરેના કારણે ભાવમાં વધારો થયાનું જાણવા મળે છે. ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સેક્ટરમાં જથ્થાબંધ ફુગાવો માર્ચમાં 4.87 ટકા વધ્યો હતો, જ્યારે ગયા વર્ષના સમાન મહિનામાં 1.19 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે, ઇંધણ અને વીજળીનો ફુગાવો માર્ચમાં માઇનસ 0.77 ટકા ઘટ્યો હતો.