અમદાવાદ: શાળાઓમાં આચાર્ય યા ને પ્રિન્સિપાલનો એક મોભો ગણાતો હોય છે. ગામડાંની શાળાઓમાં આચાર્ય કે પ્રિન્સિપાલને હેડ માસ્તર કે મોટા માસ્તર કહીને સંબોધવામાં આવતા હોય છે. શિક્ષકો પણ પ્રમોશનથી હોડ માસ્તર બને ત્યારે ગર્વ અનુભવતા હોય છે. પણ હાલમાં શિક્ષકમાંથી આચાર્ય બનવાના કિસ્સામાં પણ ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે. હેડ માસ્તર બનવું જાણે હેડેક બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. તેનું મૂળ કારણ પગાર છે. HMATની પરીક્ષા પાસ કરી શિક્ષકમાંથી આચાર્ય બનેલા 80 ટકા શિક્ષકોને ઉચ્ચતર પગારનો લાભ નહિ મળતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.
ગુજરાત આચાર્ય સંઘ દ્વારા શાળાના આચાર્યોને નિયમ મુજબ પગાર ધોરણ આપવા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. HMATની પરીક્ષા પાસ કરી શિક્ષકમાંથી આચાર્ય બનેલા 1600 આચાર્યમાંથી 80 ટકા શિક્ષકોને ઉચ્ચતર પગારનો લાભ નહિ મળતા ગુજરાત આચાર્ય સંઘ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં શિક્ષક આચાર્ય બને ત્યારબાદ પગાર ધોરણમાં કોઈ લાભ ના મળતા હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. શિક્ષક જો આચાર્ય બને તો ઉચ્ચતર પગારના ધોરણની શરતો મુજબ કોઈ લાભ ના મળતો હોવાથી આચાર્ય સંઘમાં નારાજગી જોવા મળી રહી છે.કોઈ શિક્ષકને શિક્ષક તરીકે જે પગાર મળતો હોય તો આચાર્ય બન્યા બાદ તે પગાર 25થી 30હજાર જેટલો ઓછો મળી રહ્યો છે.
આ અંગે આચાર્યસંઘના સૂત્રોએ જણાવ્યું હતું કે, HMAT પાસ કરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષકમાંથી આચાર્ય બનેલા શિક્ષકોને એક રૂપિયાનો ફાયદો પગારમાં થતો નથી. 5-1-65 ના નિયમ પ્રમાણે શિક્ષકમાંથી આચાર્ય બને તેને 1 ઇજાફાનો લાભ મળતો હતો જે મળતો નથી.
આચાર્ય બન્યા બાદ શાળામાં જવાબદારી વધતી હોવા છતાં શિક્ષક કરતા ઓછો પગાર મળતો હોવાથી કોઈ શિક્ષક આચાર્ય બનવા તૈયાર નથી તેવી સ્થિતિ ઉદભવી છે. શિક્ષક આચાર્ય બને તો જૂની પદ્ધતિ મુજબ એક ઇજાફાનો લાભ આપવા આચાર્ય સંઘ દ્વારા રજૂઆત કરાઈ છે. કોઈપણ સંવર્ગ માંથી શિક્ષકમાંથી આચાર્ય બબે તો એક ઇજાફનો લાભ આપવા માંગ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને કરવામાં આવી છે.