અમદાવાદ: શહેરના પાલડી વિસ્તારમાં આવેલા એક્સરે અને સોનોગ્રાફી ક્લિનિકમાં તબીબની ગેરહાજરીમાં બિન લાયકાત ધરાવતી વ્યક્તિ સોનોગ્રાફીની પેક્ટીસ કરતી હતી. એટલું જ નહીં અહીં ગેરકાયદે રીતે લિંગ આધારિત ગર્ભ પરિક્ષણ પણ કરવામાં આવતું હતું. જેથી હરકતમાં આવેલા આરોગ્ય વિભાગે ક્લિનિકમાં તપાસ હાથ ધરીને બે સોનોગ્રાફી મશીન સીલ કર્યાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર એક્સરે અને સોનોગ્રાફી ક્લિનિકમાં ડોક્ટરની ગેરહાજરીમાં બિનલાયકાત ધરાવતા ડોક્ટર દ્વારા સોનોગ્રાફીની પ્રેક્ટિસ કરાતી હતી તથા ગેરકાયદેસર રીતે લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરી આપવામાં આવતું હતું, જેથી કરીને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઉપરોક્ત ક્લિનિક ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. કલીનીકના બે સોનોગ્રાફી મશીન પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શૈલેષભાઈ પરમાર તથા તેમની ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. PC -PNDT એક્ટ અંતર્ગત ગર્ભ પરીક્ષણ કરવું ગેરકાનૂની છે તથા ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરનાર ડોક્ટર ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
અમદાવાદ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર વર્ષમાં આ પ્રકારની કાર્યવાહીથી શહેરની અલગ અલગ જગ્યાએથી ગેરકાયદે ગર્ભ પરીક્ષણમાં વપરાતા અલ્ટ્રા સાઉન્ડ મશીનો સીલ કરવામાં આવ્યા છે અને લિંગ આધારિત ગર્ભ પરીક્ષણો થતા અટકાવવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા PC-PNDT કાયદાનો કડકાયથી અમલ કરવામાં આવી રહ્યો છે જેથી આ પ્રકારની અયોગ્ય પ્રેક્ટિસ કરતાં ડોક્ટરની ઉપર કાર્યવાહી કરી ગેરકાયદેસર થતાં ગર્ભ પરીક્ષણ રોકીને સેક્સ રેશિયોમાં નોંધપાત્ર સુધારો થઈ શકે તે માટે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ સતત સક્રિય છે.