Site icon Revoi.in

આરોગ્ય વિભાગે આઉટસોર્સિંગ કર્મચારીઓના વેતનમાં રૂપિયા 3800થી 4000નો કર્યો વધારો

Social Share

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગમાં આઉટસોર્સથી કામ કરનારા કર્મચારીઓને વર્ષોથી ફિક્સ વેતન આપવામાં આવે છે. આથી છેલ્લા ઘણા સમયથી આઉટસોર્સથી કામ કરતાં વહિવટી સ્ટાફ અને વર્ગ-4ના કર્મચારીઓ વેતન વધારાની માગ કરી રહ્યા હતા. આખરે સરકારે આઉટસોર્સથી કામ કરનારા કર્મચારીઓના વેતનમાં 3800થી 4000નો વધારો કરતા કર્મચારીઓએ રાહતની લાગણી અનુભવી છે.

ગુજરાતમાં આરોગ્ય વિભાગ સંચાલિત મેડિકલ કોલેજો, હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં ફરજ બજાવતા વહિવટી સ્ટાફ અને વર્ગ-4ના કર્મચારીઓની ભરતી આઉટોસોર્સિંગથી કરવામાં આવે છે. આથી આવા કર્મચારીઓના માસિક વેતનમાં લઘુત્તમ વેતનના કાયદા મુજબ વધારો કરવામાં આવ્યો છે. આથી આઉટસોર્સિંગ કર્મચારીઓના વેતનમાં માસિક રૂપિયા 3800થી રૂપિયા 4000નો વધારો કરાયો છે.લઘુત્તમ વેતન ધારામાં થયેલા વધારાની અમલવારી કરાશે.  જેમાં આરોગ્ય વિભાગના હસ્તકના વિવિધ વિભાગો જેવા કે મેડિકલ કોલેજો, હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલ, સબ ડિસ્ટીક્ટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વહિવટી સ્ટાફ અને પેરા મેડિકલ સ્ટાફ તેમજ વર્ગ-4ના કર્મચારીઓની આઉટસોર્સિંગ તેમજ મેનપાવરથી ભરતી કરવામાં આવે છે. ત્યારે આ કર્મચારીઓના વેતનમાં વધારો આરોગ્ય વિભાગે કર્યો છે.

આ ઉપરાંત આઉટસોર્સિંગ તેમજ મેન પાવર સપ્લાયની કામગીરી કરતી એજન્સીઓએ કર્મચારીઓના વેતનમાં વધારો કરીને વધારો ચુકવણી કરવાનો આરોગ્ય વિભાગે આદેશ કર્યો છે. આઉટસોર્સિંગ કર્મચારીઓમાં એચઆર મેનેજર, મેનેજર એડમિન, સિસ્ટમ મેનેજર, ફાયનાન્સ મેનેજર, ટેકનિકલ સુપરવાઇઝર, બાયોમેડિકલ એન્જિનીયર, ફિજીયોથેરાપીસ્ટ, ઇસીજી ટેકનિશ્યન, ઇઇજી ટેકનિશ્યન, સીટી સ્કેન ટેકનિશ્યન, એક્સ-રે ટેકનિશ્યન, ડેન્ટલ ટેકનિશ્યન, એક્સ-રે આસિસ્ટન્ટ કર્મચારીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત લેબોરેટરી ટેકનિશ્યન અને આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ, ડાયટીશ્યન, ડેટા એન્ટ્રી ઓપરેટર, ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટટ, જુનિયર ક્લાર્ક, કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાઇવર, લાઇન કિપર, મેડિકલ સોશિયલ વર્કર, મેટરનીટી આસિસ્ટન્ટ, પીએફટી ટેકનિશ્યન, ડાર્ક રૂમ આસિસ્ટન્ટ, મેડિકલ રેકોર્ડ ટેકનિશ્યન, એનેસ્થેસિયા ટેકનિશ્યનના માસિક વેતનમાં રૂપિયા 3800થી 4000નો વધારો કરવામાં આવ્યો છે. જોકે અગાઉ ઉપરોક્ત અલગ અલગ પોસ્ટ માટે માસિક વેતન રૂપિયા રૂપિયા 17881થી રૂપિયા 24753 હતું. તેમાં વધારો થતાં હવે માસિક વેતન રૂપિયા 22099થી 28835 જેટલો કરાયો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.