ગાંધીનગરઃ રાજ્યના અંતરિયાળ ગામડાંઓમાં બાળકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે બાળનિષ્ણાત તબીબની ટીમ સાથેની આરબીએસકે વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. રાજ્યના 1 કરોડ 60 લાખ બાળકો ની આર.બી એસ.કે ના 992 વાહનોમાં સજ્જ હેલ્થ ટીમ થકી સ્ક્રિનિંગ, નિદાન અને સારવાર થઈ શકે તે હેતુથી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી આર.બી.એસ.કે.ના નવા વાહનોનુ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વાર આર.બી એસ.કે અંતર્ગત જન્મથી લઇ 18 વર્ષ સુધીના બાળકોનુ સ્ક્રિનિંગ,નિદાન અને સારવાર કરવામાં આવશે. અને આર.બી એસ.કે ની ટીમ શહેરથી લઈને અંતરિયાળ ગામોમાં બાળકને તમામ આરોગ્યલક્ષી સેવાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવા આ વાહનોમાં સજ્જ હેલ્થ ટીમ મહત્વની ભૂમિકા અદા કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આજે ગાંધીનગર જિલ્લામાં 24 નવીન આર.બી.એસ.કે. વાહનોનું લોકાર્પણ કરાયું છે. જયારે સમગ્ર ગુજરાતમાં 992 વાહનો રાજ્યના બાળકોનું ઘરે ઘરે જઈને સ્ક્રિનિંગ અને તપાસની શ્રેષ્ઠતમ કામગીરી કરી રહ્યા હોવાનો દાવો રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા કરવામાં આવ્યો છે આ અંગે વધુ વિગતો માટે તેમણે જણાવ્યું હતું કે એક વાહન દરરોજ 70થી 80 જેટલા બાળકો ની તપાસ હાથ ધરશે. અને રાજ્યના 1 કરોડ 60લાખ બાળકો ને આર.બી એસ.કે અંતર્ગત સુવિધા અને સારવાર માટે આવરી લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
રાજ્યના આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આર.બી.એસ.કે.ના વાહનો ગ્રામ્ય સ્તરે અસરકારક બનાવીને આ ટીમની કામગીરીને નવી ઓળખ આપશે. જેના થકી બાળકો માટે આ સુવિધા સઘન અને સરળતાથી પહોંચશે. ઉલ્લેખનીય છે કે આજે ગાંધીનગર જુના સચિવાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્ય આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે,એન.એચ.એમ ના ડાયરેક્ટર રેમ્યા મોહન સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં કોરોના ના કેસ ક્રમશ: ઘટી રહ્યા છે તેમ છતાંય માસ્ક પહેરવું જરૂરી હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી એ સ્પષ્ટ કર્યું હતુ.