અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય મંત્રીની AMCના અધિકારીઓ સાથે બેઠક
- કોરોનાની પરિસ્થિતિને લઈને કરાઈ સમીક્ષા
- આરોગ્ય મંત્રીએ અધિકારીઓને કરી જરૂરી સુચના
અમદાવાદઃ ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરની સરખામણીએ રેકોર્ડબ્રેક 17 હજારથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. એટલું જ નહીં મેગાસિટી અમદાદાવાદમાં પણ 6 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં દરરોજ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન આજે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મનપાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
અમદાવાદમાં 1લી જાન્યુઆરીથી કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રિવરફ્રન્ટ સ્થિત વલ્લભ સદન ખાતે મનપાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમજ અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોરોના ટેસ્ટીંગમાં વધારો કરીને પોઝિટિવ કેસ શોધી કાઢવાની સૂચના આપી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત આરોગ્યની સુવિધાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ દરરોજ 15 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત શહેરમાં સંજીવની રથ અને ધનવંતરી રથ દોડવામાં આવ્યાં છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં ટેસ્ટીંગ ડોમ ઉભા કરાયાં છે. જ્યાં ટેસ્ટીંગ માટે લાંબી લાઈનો લાગે છે.
(PHOTO-FILE)