Site icon Revoi.in

અમદાવાદના બાવળા નજીક આરોગ્ય અધિકારીએ બોગસ ડોકટરને પકડી, મલ્ટિ હોસ્પિટલ સીલ કરી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નકલી સરકારી કચેરી, નકલી પોલીસ, નકલી ચલણી નોટો, નકલી ખાદ્ય ચિજ-વસ્તુઓ પકડાયા બાદ હવે નકલી ડોકટર અને મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ પકડાઈ છે. અમદાવાદ જિલ્લાના આરોગ્ય અધિકારીએ મળેલી માહિતીને આધારે બાવળા તાલુકાના કારાળા ગામે તપાસ કરતા ગેરકાયદે પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને ઝડપી લઈને  અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી.

આ બનાવની વિગતો એવી છે કે, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં બોગસ તબીબ આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હતો. દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતો અને લોકોના જીવન સાથે રમત રમતો હતો. તેનો સોશ્યલ મીડિયામાં વીડિયો વાઈરલ થયો હતો. ત્યાર બાદ વાઈરલ વીડિયોનું તથ્ય જાણવા સરકાર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને વાઈરલ વીડિયોના આધારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે CDHO ડો. શૈલેષ પરમારની આગેવાનીમાં બાવળાના કેરાળામાં આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોલીસને સાથે રાખી દરોડો પાડી હોસ્પિટલને સીલ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ  બાવળાના કેરાળા ગામ નજીક આવેલી અનન્ય મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં એક પરિવારે તેની દીકરીને સારવાર માટે દાખલ કરી હતી. અને રાત્રે તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનોએ ડોક્ટરને વારંવાર રિપોર્ટ આપવાનું કહેવા છતાં રિપોર્ટ અપાયો ન હતો. હોસ્પિટલે 1.50 લાખ રૂપિયા સારવારની ફી કીધી હતી. ડોક્ટરે છોકરીના પરિવારજનોને તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું, પરંતુ રાત્રે છોકરીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવનો વિડિયો વાયરલ થતાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પોલીસને સાથે રાખીને અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નળ સરોવર રોડ બાવળા ખાતે પહોંચી હતી. જ્યાં હોસ્પિટલ નીચે એક મેડિકલ પણ છે. પૂછપરછમાં ડોક્ટર મેહુલ ચાવડા હોસ્પિટલ ચલાવતો હોવાનું સામે આવ્યું હતુ. તેની પાસે કોઈ ડિગ્રી પણ ન હતી. હોસ્પિટલના સ્ટાફને પણ ડોક્ટર મેહુલ ચાવડા કોણ છે તેની ખબર નહોતી,. દર્દીની ફાઈલ ઉપર પણ ડોક્ટરનું નામ કે એડ્રેસ લખવામાં આવ્યું ન હતું. આમ અહીં દર્દીઓના જીવન સાથે રમત થતી હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને ધ્યાને આવ્યું હતું. આથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલમાં રેકોર્ડની તપાસ પણ કરી હતી. બાદમાં હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. હવે જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.