અમદાવાદઃ શહેરમાં વાદળછાંયા વાતાવરણને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોએ શહેરમાં માથું ઊંચક્યું છે. જેની સાથે હવે પાણીજન્ય રોગ કોલેરાના કેસો પણ નોંધાયા છે. શહેરમાં કોલેરાના ત્રણ કેસો નોંધાયા છે. ચાલુ વર્ષે કોલેરાના કુલ 64 કેસો અને ઓગસ્ટ માસમાં 3 કેસો નોંધાયા છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં એકપણ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત અઠવાડિયામાં નોંધાયેલા 66 જેટલા ડેન્ગ્યુના કેસોમાંથી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ડેન્ગ્યુના દર્દીઓના ઘરે સર્વે કરતા ચાંદખેડા, લાંભા, વટવા, ગોતા, શાહઆલમ અને ફતેહપુરા વિસ્તારમાં ડેન્ગ્યુના મચ્છરો હોવાનું બહાર આવ્યું છે જેથી આ વિસ્તારના લોકોએ વધુ સાચવવાની જરૂર છે. ચાલુ વર્ષે ઓગસ્ટ માસના 21 ઓગસ્ટ સુધી પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલ્ટીના 227, કમળાના 101 અને ટાઈફોઈડના 104 જેટલા કેસો નોંધાયા હતા. તેમજ કોલેરાના ત્રણ કેસો નોંધાયા હતા. જ્યારે મચ્છરજન્ય રોગોમાં સાદા મેલેરિયા 123 કેસો, ઝેરી મેલેરિયાના 09, ડેન્ગ્યુના 130 અને ચિકનગુનિયાના 67 કેસો નોંધાયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા ડેન્ગ્યુ માટે ચાલુ ઓગસ્ટ માસમાં 3444 સીરમ સેમ્પલ લીધા છે. ચાલુ વર્ષે પાણીના 155 જેટલા અનફિટ સેમ્પલ મળી આવ્યા હતા. મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટીટ્યુટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે. આ એકમોને સાફ સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે.