ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરો-કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોનાઉકેલ માટે ઘણા દિવસથી આંદોલનો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે હેલ્થ વર્કરોના પગારમાં મહિને રૂપિયા 4000નો વધારો કરવાની જાહેરાત કરી હતી, અને તમામ કર્મચારીઓને ફરજ પર હાજર થવાની અપીલ કરી હતી. પરંતુ આરોગ્ય કર્મચારીઓએ સરકારની આ માંગણીઓ સ્વીકારવાનો ઇન્કાર કરીને વિરોધ યથાવત રાખ્યો છે.
રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગર ખાતે શુક્રવારે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી અને પોતાની માંગ જારી રાખી હતી. આરોગ્ય કર્મચારીઓએ વિશાળ રેલી કરવાનું આયોજન કર્યું હતું જે પહેલાં જ જિલ્લા પંચાયત પાસેથી આંદોલનકારી આગેવાનો સહિત અનેક આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી હતી.
રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં પગારમાં જે વિસંગતતા છે તે દૂર નહી થાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવામાં આવશે. અમારી મુખ્ય જે માંગણી છે તેની સરકારે કોઇ જાહેરાત કરી નથી, રાજ્યના તમામ આરોગ્ય કર્મચારીઓની માંગણી છે કે જ્યાં સુધી તમામ કર્મચારીઓને ટેકનીકલ કેટેગરીમાં ન આવરી લેવામાં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આરોગ્ય કર્મચારીઓના પગારમાં રૂપિયા 4 હજારનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત 130 દિવસની કોવિડ ડ્યુટીનું વેતન ચુકવવાની પણ જાહેરાત કરી હતી. પીટીએ ફેરણ ભથ્થા અંગેની માગણી સ્વીકારીને 8 કિ.મીની મર્યાદા દૂર કરી હતી. આ ઉપરાંત સાતમા પગાર પંચ સહિતના લાભો આપવા બાબતે અગામી ત્રણ દિવસમાં ઠરાવ કરવાની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી હતી. સરકારે જાહેરાત કરતા આરોગ્ય કર્મીને હડતાલ સમેટવાની અપીલ પણ કરી હતી.