પાલનપુરઃ શહેરની નગરપાલિતાના સત્તાધિશોની નિષ્ક્રિયતાને લીધે હવે નાગરિકોને જ આંદોલન કરવાની ફરજ પડી રહી છે. શહેરમાં હાલ વરસાદી સીઝનમાં રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ગંદકીના ઢગલાં જોવા મળી રહ્યા છે. ગંદકીના સામ્રાજ્યને લઈ મોટી બજાર વિસ્તારમાં નગર પાલિકા સામે વિરોધપક્ષ અને સ્થાનિકોએ ધારણા કરી વિરોધ નોંધાવ્યો હતો. પાલનપુર મોટી બજાર ખાતે વિરોધ પક્ષ અને મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહી ભાજપ શાસિત પાલિકામાં વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ગંદકીનો નિકાલ કરવાની માંગ કરી હતી..
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના અનેક વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં કચરાના ઢગના કારણે ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના મોટી બજાર વિસ્તારમાં નગરપાલિકા સામે વિરોધપક્ષ અને સ્થાનિકોએ ધરણા પ્રદર્શન કર્યું હતું અને નગરપાલિકા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા બેંક અને શાળા નજીક જ ગંદકીના ઢગને કારણે ગંદકીથી ખદબદી ઉઠી છે. જેને લઇ વિરોધપક્ષના નેતા અંકિતાબેન સહિત સ્થાનિકોએ મોટી સંખ્યામાં જોડાઈ વિરોધ નોંધાવ્યો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા સામે શહેરીજનોમાં આક્રોશ વધતો જાય છે. લોકોની સુખાકારીના કોઈ કામો કરાતા નથી. શહેરના રોડ પર ઢોરના અડ્ડાઓ ઠેર ઠેર જોવા મળે છે. રખડતા પશુઓએ અનેક શહેરીજનોને અડફેટે લીધાના બનાવો બન્યા છે. ત્યારે નગરપાલિકા પાસે રખડતા પશુઓને નિયંત્રણમાં લેવા કે પકડવા માટેનું કોઈ તંત્ર જ નથી. શહેરીજનો આ સંદર્ભે ફરિયાદ કરવા જાય ત્યારે સંતોષકારક જવાબ પણ આપવામાં આવતો નથી. હવે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલાંને લઈને લોકોએ વિપક્ષનો સાથ મેળવીને આંદોલન કરી રહ્યા છે.