ગાંધીનગરઃ રાજ્ય સરકારમાં અલગ અલગ સ્થળે ફરજ બજાવતા પતિ- પત્નીને એક જ સ્થળે અથવા નજીકના સ્થળે બદલી કરી આપવા સરકારે નિર્ણય લીધા બાદ સોમવારે એક જ દિવસમાં સરકારના વિવિધ વિભાગોમાં બદલી માટે 500થી વધારે અરજીઓ મળી હતી. વિદ્યા સહાયકો લોકરક્ષકો, શિક્ષણ સહાયકો સહિત વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા પતિ-પત્નીને એક જ જગ્યાએ બદલી કરી આપવા અરજીઓ આવી રહી છે. કેટલાક ધારાસભ્યોએ પણ બદલીઓ માટે ભલામણો કરી છે. મોટાભાગના બદલી ઈચ્છતા કર્મચારીઓ શહેરી વિસ્તારમાં બદલી કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયમાંથી મળેલી સુચનાને પગલે મંત્રીઓ દ્વારા આવી અરજીઓની સમીક્ષા કરીને શક્ય એટલી ઝડપથી બદલીનો નિર્ણય લેવામાં આવશે. દરેક મંત્રીઓ દ્વારા રોજેરોજ આવી અરજીઓની વિગતો વિભાગમાંથી લેવામાં આવશે. પ્રથમ દિવસે જ મળેલી અરજીઓમાં જણાયું છે કે મોટાભાગના કર્મચારીઓ જે ગ્રામ્ય વિસ્તારમાં હોય તેઓએ તેમના પતિ કે પત્ની જે શહેરી વિસ્તારમાં ફરજ બજાવતા હોય ત્યાં બદલી માટે અરજી કરી છે. શહેરી વિસ્તારમાં બદલી માટે વધારે અરજીઓ મળતા આ બદલીઓ કરાય તો ગ્રામ્ય વિસ્તારમાં જગ્યા ખાલી રહે તેવી સ્થિતિ સર્જાય તેમ છે. બદલીઓના સ્થળ બાબતે અસમાનતાની સ્થિતિ ઉદભવે તેમ હોવાથી હવે સરકાર વિકલ્પો અંગે વિચારી રહી છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, પતિ કે પત્નીને એક સ્થળે રાખવાનો નિર્ણય સરકારે લીધો છે જેથી ગ્રામ્ય વિસ્તારમાં જવા માંગતા હોય તેવા કર્મચારીઓની બદલી માટે પ્રાયોરિટી અપાય તે દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે. કર્મચારીઓની બદલી માટેની તમામ અરજીઓની સમીક્ષા કરાશે અને ત્યારબાદ જ નિર્ણય લેવાશે. ગ્રામ્ય વિસ્તારોમાં વધારે જગ્યા ખાલી ન રહે અને સમતુલા ન ખોરવાય તેનું પણ ધ્યાન રખાશે. તમામ વિભાગોમાં હાલ અરજીઓ આવી રહી છે જેની દર અઠવાડિયે સમીક્ષા થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.