- માતા અને તેની 4 વર્ષની દીકરીને કાર ટક્કર મારીને પલાયન,
- મહિલાના પતિએ વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી,
- પોલીસે કારનો રજિસ્ટ્રેશન નંબર મેળવીને તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો રોજબરોજ વધતા જાય છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તાર એવા હાથીજણમાં હીટ અન્ડ રનનો બનાવ બન્યો હતો. વટવા વિસ્તારમાં રહેતી રેખાદેવી તેની 4 વર્ષની દીકરી બિમાર હોવાથી દવા લેવા માટે હાથીજણના અર્બન હેલ્થ સેન્ટર ગયા હતા અને દવા લઈને પરત ફરતા હતા ત્યારે પૂરફાટ ઝડપે આવેલી કારે મહિલા અને તેની દીકરીને ટક્કર મારીને કારચાલક કાર સાથે નાસી ગયો હતો. મહિલાને માથામાં અને શરીરના ભાગે ઈજા થતાં સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે બાળકીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. આ અંગે મહિલાના પતિએ અજાણ્યા શખસ સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના વટવામાં રહેતા સુરેશ પટેલે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, સવારના સમયે તેમના પત્ની રેખાદેવી તેમની નાની 4 વર્ષની દીકરી બીમાર હોવાથી તેને લઈને દવા લેવા અર્બન હેલ્થ સેન્ટર હાથીજણ ખાતે ગયા હતા. દવા લઈને તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે એક હ્યુન્ડાઈ ઈયોન ગાડીના ચાલકે ખૂબ જ સ્પીડમાં બંનેને ટક્કર મારી હતી. ટક્કર મારતા પત્ની રેખાદેવીને માથા અને શરીરના ભાગે બીજા પહોંચી હતી. જેમાં ખૂબ જ લોહી નીકળી ગયું હતું. જેથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ચાર વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોંચતા એલજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યાં બાળકીનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. સુરેશભાઈએ કારના નંબરના આધારે અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.