Site icon Revoi.in

ગાંધીનગરમાં હીટ એન્ડ રન, ટેન્કરનું ટાયર બદલી રહેલા ચાલકનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત

Social Share

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વધુ એક હીટ એન્ડ રનનો બનાવ શહેરના  સેકટર – 20 મુખ્યમંત્રી નિવાસસ્થાન સામેના  રોડ ઉપર બન્યો હતો. રોડ પર જઈ રહેલા પાણીના ટેન્કરને પંક્ચર પડતા તેનો ચાલક રોડ સાઈડ પર ટેન્કર ઊભુ રાખીને ટાયર બદલી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યો વાહનચાલક ટક્કર મારીને પલાયન થઈ ગયો હતો. જેથી ટેન્કરના ચાલકને ગંભીર ઈજાઓ થતાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને નાસી ગયેલા અજાણ્યા વાહનની સીસીટીવીના કૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે કે, ગાંધીનગરમાં સેકટર – 20 મુખ્યમંત્રી નિવાસસ્થાન સામેના રોડ ઉપર મ્યુનિ.ના કોન્ટ્રાક્ટ આધારિત પાણીના ટેન્કરમાં પંક્ચર પડયું હતું. જેથી ટેન્કરનાં પાણીનો વાલ્વ ખોલીને ચાલક ટાયર બદલવા માટે જેક ચઢાવી રહ્યો હતો. તે સમયે અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી ટેન્કરનાં ડ્રાઇવરને ટક્કર મારીને નાસી ગયો હતો. આ અકસ્માતમાંથી ગંભીર ઈજાગ્રસ્ત ચાલકનું ગાંધીનગર સિવિલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટેક્ટ બેઝ ઉપર પાણીનું ટેન્કર ચલાવતા 48 વર્ષીય પ્રકાશભાઈ વીરજીભાઈ બરંડા સવારના સમયે ટેન્કર લઈને સેકટર – 20 મુખ્યમંત્રી નિવાસસ્થાન સામેના રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ટેન્કરના ટાયરમાં પંક્ચર પડયું હતું. જેથી પાણી ભરેલા ટેન્કર નું ટાયર બદલવા માટે તેમણે મથામણ શરૂ કરી હતી, પરંતુ ટેન્કરમાં પાણીનો જથ્થો ભરેલો હોવાથી જેક ચડાવવો મુશ્કેલ હતો. આથી પ્રકાશભાઈએ ટેન્કરનું વજન ઓછું કરવા માટે પાણીનો વાલ્વ ખોલી નાખ્યો હતો. જેથી ટેન્કરનું પાણી રોડ ઉપર વહેવા માંડયું હતું. બાદમાં પ્રકાશભાઈ ટેન્કરનું ટાયર બદલવાં માટે જેક ચઢાવી રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વાહનના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને પ્રકાશભાઈને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ત્યાં ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને ગંભીર ઈજાગ્રસ્ત પ્રકાશભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ટૂંકી સારવાર દરમિયાન પ્રકાશભાઈનું મોત નીપજ્યું હતું.