સુરેન્દ્રનગરઃ જિલ્લાના રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ચોટિલા નજીક વધુ એક અકસ્માતના બનાવમાં મહિલાનું મોત નિપજ્યુ હતું. અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે આપાગીગાના ઓટલા નજીક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે કારના ચાલકે રોડ સાઈડ પર ચાલીને જતી મહિલાને હડફેટે લીધી હતી. જેમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થતા લોહીલુહાણ હાલતમાં તાકીદે ચોટીલા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જેમાં ઈજાગ્રસ્ત મહિલા લીલાબેન ડામોરને તબીબે મૃત જાહેર કર્યા હતા.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. ચોટીલા પાસે આપાગીગાના ઓટલા નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે રાહદારી મહિલાને અડફેટે લેતા તેનું મોત નિપજ્યુ હતું. અકસ્માત બાદ કાર સાથે ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં ચોટીલા પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ ધરી છે. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી જતા હાઈવે પર થોડી વાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
બીજો અકસ્માતનો બનાવ પણ ચોટિલા પાસે બન્યો હતો. જેમાં ચોટીલા તાલુકાના ત્રમ્બોડા ગામના રમેશભાઈ દેવશીભાઈ ઓળકિયા અને તેમના પત્ની ભાનુબેન ચોટીલા ખરીદી કરવા આવ્યા હતા. અને ભાનુબેનના ભાઈ ભગવાનભાઈના ઘરે જઈને ત્યાંથી પરત ફરતા હતા. ત્યારે ચોટીલા હાઈવે હરિધામ સોસાયટી પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવતી કારે બાઇક સાથે અકસ્માત કરતા દંપતી ઇજાઓ પહોંચી હતી. આજુબાજુના સ્થાનિક લોકોએ 108ને જાણ કરી તાત્કાલિક ચોટીલા સરકારી હોસ્પિટલ સારવાર માટે દંપતીને લઇ ગયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપી રમેશભાઈને વધુ ઇજાઓ થતા રાજકોટ ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ભાનુબેન હાથમાં અને ખંભામાં ફ્રેક્ચર થયું હતું. આ અકસ્માતના બનાવની ફરિયાદ અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાતા વધુ તપાસ એએસઆઈ મીઠાભાઇ રાજપરા અને પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.