Site icon Revoi.in

અમદાવાદમાં ગરમીને લીધે મ્યુનિ.સંચાલિત 15 સ્વિમિંગ પુલોની ત્રણેય બેન્ચમાં લોકોનો ધસારો

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ ગરમીથી રાહત મેળવવા અને ફીટનેસ પણ જળવાઈ રહે તે માટે  લોકોમાં  સ્વિમિંગ પુલોમાં જવાનો ક્રેઝ વધી રહ્યો છે. શહેરમાં મ્યુનિ.સંચાલિત તમામ સ્વિમિંગ પુલોમાં વહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે.  સાથે જ શહેરના યુવક-યુવતીઓ અને બાળકો પણ તરતા શીખવા માટે સ્વિમિંગ પુલોમાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. સ્વિમિંગ પુલોમાં કોચ દ્વારા તરતા શીખવાની તાલીમ આપવામાં આવે છે. એએમસી સંચાલિત 15 જેટલા સ્વિમિંગ પૂલમાં છેલ્લા એક મહિનામાં 3136 લોકોએ સ્વિમિંગ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સવાર, બપોર અને સાંજ એમ ત્રણ ટાઈમ સ્વિમિંગની તમામ બેન્ચોમાં સભ્યોની સંખ્યામાં વધારો થયો છે. ઉનાળામાં સ્વિમિંગ કરવા માટે લોકોએ ત્રણ મહિનાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં પણ વધારો થયો છે.

અમદાવાદ શહેરમાં એએમસી સંચાલિત જુદા જુદા વિસ્તારોમાં 15 જેટલા સ્વિમિંગ પૂલ આવેલા છે. આ સ્વિમિંગ પૂલને ત્રણ અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. ગત માર્ચ મહિનામાં 3136 જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 2286 જેટલા પુરુષો અને 850 જેટલી મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.. એપ્રિલ મહિનામાં શરૂઆતથી  સ્વિમિંગ માટે ધસારો રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા સ્વિમિંગ પૂલોમાં પુરુષ, મહિલા અને બાળકો ત્રણેય માટે સ્વિમિંગનો અલગ અલગ સમયે રાખવામાં આવ્યો છે. સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી સ્વિમિંગ પૂલ ચાલુ રહે છે. જેમાં પુરુષો માટે સવારે 6થી 11 જ્યારે મહિલાઓ માટે બપોરે 1થી સાંજે 5 અને બાળકો માટે સાંજે 5થી 7 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. જે પણ સ્વિમિંગ જાણતા હોય તેવા લોકો માટે એડવાન્સ બેન્ચ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં હાલમાં સ્વિમિંગ કરતા હોય તેના કરતાં પણ વધુ સારી રીતે સ્વિમિંગ કેવી રીતે કરી શકાય તે અંગેની ટ્રેનિંગ આપવામાં આવે છે.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ અને સાબરમતી સ્નાનાગર ખાતે સાંજે 7થી 8:30 સુધી એડવાન્સ બેન્ચ ચાલે છે. સવારથી સાંજ સુધી ચાલતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગમાં મહિલાઓ, પુરુષો અને બાળકોની બે-બે બેચ ચલાવવામાં આવે છે. સ્વિમિંગ માટે અલગ અલગ કેટેગરી વાઇઝ સ્નાનાગરમાં દર નક્કી કરવામાં આવ્યા છે. ઉનાળાનો સમય એપ્રિલથી લઈ જૂન મહિનામાં સ્વિમિંગ માટેના દર વધારે રાખવામાં આવ્યા છે.