ગુજરાતમાં ગરમી વધવાની આગાહી, તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જવાની શકયતા
અમદાવાદઃ આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં 39 ડીગ્રી તાપમાન રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો હોળી બાદ કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. આગામી બે દિવસ રાજકોટ શહેર સહિત જિલ્લામાં હિટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના દરિયાઇ પટ્ટી જિલ્લાઓમાં વાતાવરણ ગરમ અને ભેજવાળુ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે હિટવેવ વાળા વિસ્તારોમાં વૃધ્ધો, બાળકો અને સગર્ભા સ્ત્રીઓને આરોગ્યની સંભાળ લેવા, સુતરાવ કપડા, ટોપી પહેરવા, તેમજ યોગ્ય આહાર લેવાની તાકિદ કરવામાં આવી છે.
ઉનાળાના આરંભ સાથે જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી પરી છે. દરમિયાન બે દિવસથી ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનના પારામાં આંશિક ધટાડો થયો છે. અમરેલીમાં સૌથી વધુ 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 39.5 ડિગ્રી તાપમાનનો પારો રહ્યો હતો. તો બીજી તરફ કચ્છ, પોરબંદર અને ગીર-સોમનાથમાં તાપમાનનો પારો વધવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન કચ્છ, પોરબંદર અને ગીર-સોમનાથમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન નિષ્ણાતે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે.