પાકિસ્તાનમાં પણ ગરમીનો પારો 50 નજીક પહોંચ્યો
નવી દિલ્હીઃ ઉત્તર ભારતના રાજ્યોમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. તેમજ 50 ડીગ્રી સુધી તાપમાન જવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ઉનાળો આકરો બન્યો છે. તેમજ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 48 ડીગ્રીને ક્રોસ થયો છે અને 50 ડીગ્રી નજીક પહોંચવાની શકયતા છે. પાકિસ્તાનમાં એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના મુખ્ય છ શહેરોમાં ગરમીનો પારો 48 ડીગ્રી સુધી પહોંચી ગયો છે. એપ્રિલ મહિનામાં પ્રથમવાર તાપમાન લગભગ 10થી 12 ડીગ્રી વધુ નોંધાયું હતું. સિંધના દાદુ શહેરમાં શુક્રવારે પારો રેકોર્ડબ્રેક 49 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયો હતો. પાકિસ્તાનના કરાચી, સક્કર, લરકાના, જેકોબાબદ, ડેરા ગાઝી ખાન અને મુલ્તાન શહેરમાં હાલ પ્રજા આકરા ઉનાળાનો અનુભવ કરી રહ્યાં છે. દરમિયાન પાકિસ્તાનના હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા સુધી જુદાં જુદાં શહેરોમાં લૂ અને ધૂળભરી આંધી ચાલવાની ચેતવણી ઉચ્ચારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરભારતના રાજ્યોમાં પણ હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. એટલું જ નહીં હજુ ગરમી વધવાની શકયતાને પગલે કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. તેમજ લોકોને કામ વગર બપોરના સમયે બહાર નહીં નીકળવા માટે અપીલ કરાઈ છે.