Site icon Revoi.in

અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ આકરી ગરમી પડવાની શરૂ થઈ હતી. દરમિયાન રાજ્યના દસથી વધારે શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. મેગાસિટી અમદાવાદમાં આકાશમાંથી અગન વર્ષા વરસતી હોય તેમ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હજુ આગામી દિવસોમાં ગરમીનો પારો ઉચકાય તેવી હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીમાં વધારો થતા લોકોની મુશ્કેલી વધી છે.

હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ રહે તેવી શકયતા છે. અમદાવાદમાં રવિવારે 43.1 ડિગ્રી ગરમી પડી હતી. જ્યારે સુરેન્દ્રનગર 42.3, અમરેલી 42.2, વલ્લભ વિદ્યાનગર 42, ગાંધીનગર અને રાજકોટ 41.8, વડોદરા 41.4, ડીસા 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દરમિયાન મધ્યપ્રદેશ અને અરબ સાગરમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આ સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં પણ જોવા મળી હતી. ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અનેક શહેરો અને નગરોમાં સ્વૈચ્છીક લોકડાઉન જેવી સ્થિતિ છે. જેથી બપોરના સમયે લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. અમદાવાદમાં ગરમીમાં વધારો થતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરો અને નગરોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.