નવી દિલ્હીઃ દેશમાં ઉનાળાના આરંભ સાથે જ ઉત્તરભારતના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના શહેરો અને નગરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન આ વર્ષે ઉત્તર ભારતના કેટલાક નગરોમાં તાપમાનનો પારો 50 ડીગ્રી ઉપર પહોંચવાનો અંદાજ છે. દેશના વિવિધ રાજ્યોમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમજ લોકોને ગરમીથી કેવી રીતે બચવું તે અંગેની સુચના પણ આપવામાં આવી છે. જયારે ઉત્તર ભારતમાં આકરી ગરમીએ ૧૨૨ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલમાં ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં સરેરાશ મહત્તમ તાપમાન 35.90 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જયારે મધ્ય ભારતમાં તે 37.78 ડિગ્રી સેલ્સિયસ હતું. જે છેલ્લા ૧૨૦ વર્ષમાં સૌથી વધુ છે. એપ્રિલ મહિનામાં જ ઘણી જગ્યાએ તાપમાનનો પારો ૪૭ ડિગ્રીને આંબી ગયો હતો. દિલ્હીમાં ગરમીએ 72 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.