અમદાવાદઃ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. હવે ઉત્તર ગુજરાત સિવાય મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી નથી, એટલે કે ઉત્તર ગુજરાત સિવાય મેઘરાજાએ વિરામ લીધો છે. સાથે જ તાપમાનમાં પણ વધારો થતાં ફરીવાર લોકોને એસી શરૂ કરવાની ફરજ પડી રહી છે. રાજ્યમાં ઘણાબધા શહેરોમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને વટાવી ગયો હતો.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લા સિવાયના રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદનું જોર ઘટી ગયું છે અને સામાન્ય ઝાપટાઓ પડી રહ્યા છે. સૂર્યપ્રકાશિત વાતાવરણના કારણે ગરમીનું પ્રમાણ વધી ગયું છે. સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાન સરેરાશ 30 ડિગ્રીથી વધુ રહ્યું છે પરંતુ ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 33 ડિગ્રી નોંધાયું છે. સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનના પ્રમાણમાં બીજા ક્રમે સુરેન્દ્રનગર આવે છે. સુરેન્દ્રનગરમાં 32,5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગુરૂવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા આસપાસ રહેવા પામ્યું હતું અને પવનની ગતિ કલાકના 12 કિલોમીટર આસપાસ રહેવા પામી હતી.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે ગુરૂવારે સવારે 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધીમાં 25 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. જેમાં સૌથી વધુ મોરબીના વાંકાનેરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.આમ રાજ્યમાં વરસાદનું વ્યાપ અને જોર ઘટી ગયું છે. હવામાન ખાતાના વર્તારા મુજબ આજે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને અરવલ્લી જિલ્લામાં અમુક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે અને બાકીના વિસ્તારમાં સામાન્ય ઝાપટા પડશે.