અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો આંકરો બની રહ્યો છે. અમરેલી, ભાવનગર, કંડલા, રાજકોટ, સુરેન્દ્રનગર, કેશોદ, સહિતના શહેરોમાં મંગળવારે તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો હતો. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. કે, આગામી 5 દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. એટલે કે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિત કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક શહેરોમાં સિવિયર હિટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છનો અખાત, સમગ્ર સૌરાષ્ટ્ર પંથક અને ખંભાતના અખાત સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજવાળી હવાને કારણે અકળામણનો પણ અનુભવ થશે. સૌરાષ્ટ્રના અન્ય કેટલાક શહેરો જેવા કે કચ્છ, અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં હીટવેવની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 40થી 41 ડિગ્રી વચ્ચે નોંધાઈ શકે છે. તેમજ પાંચ દિવસ દરમિયાન 42-43 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન પાંચ દિવસ દરમિયાન 41-42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
હવામાનની આગાહી કરનારા અંબાલાલ પટેલના કહેવા મુજબ મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. ત્યારબાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તા. 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી 24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે માવઠાની પણ શક્યતા છે.
જ્યારે હવામાનની આગાહી કરનારા પરેશ ગોસ્વામીના કહેવા મુજબ આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. 2થી 4 મે સુધી રાજ્યમાં 41થી 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. 2024નો એપ્રિલ મહિનો છેલ્લા 80 વર્ષમાં જોઈએ તો સૌથી વધુ ગરમ રહ્યો છે. સાથો સાથ આવનાર દિવસોમાં પણ ગરમીથી રાહત મળે તેવી શક્યતાઓ જોવા મળતી નથી.